છેલ્લા છ દિવસમાં તાવના કેસમાં અધધ… ઉછાળો, પ્રેગનન્સી, પેટમાં દુખાવો સહિતના પાણીજન્ય રોગમાં સતત વધારાથી આરોગ્ય વિભાગમાં દોડધામ
રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેની અસર લોકોના રોજિંદા જીવન પર પડી છે. વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી સર્જાઇ છે. ત્યારે આ દરમિયાન આરોગ્યલક્ષી ઈમરજન્સી સેવા માટે જેને સંજીવની તરીકે ઓળખવામાં આવે છે તે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ખડેપગે લોકોની સેવા કરવામાં આવી હતી. 108 વિભાગમાંથી મળતી માહિતી અનુસાર તારીખ 24 થી 28 ઓગસ્ટ દરમિયાન તમામ પ્રકારના રોગચાળાના કેસમાં વધારો નોંધાયો હતો.
વરસાદ કારણે સર્જાયેલ રોગચાળાને લીધે કેસમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ સિવાય મનોરોગી, ગંભીર ઇજા, પેરાલીસીસ, હાર્ટને લગતા અને પ્રેગ્નન્સી રીલેટેડ ઇમરજન્સી કેસ નોંધાયા હતા. ઓગસ્ટના પહેલા 15 દિવસોમાં 108 ને તાવના ફક્ત 267 કેસ મળ્યા હતા. જ્યારે છેલ્લા 5 દિવસોમાં જ તાવના 1886 કેસ નોંધાયા હતા. જેમાં તારીખ 24 એ તાવના 333 કેસ, તારીખ 25 એ 324 કેસ, તારીખ 26 એ 366 કેસ, તારીખ 27 એ 460 કેસ અને તારીખ 28 ના રોજ 406 કેસ નોંધાયા હતા. બીજી તરફ ટ્રોમાના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. જેમાં મહિનાની શરૂૂઆતના 15 દિવસોમાં 385 કેસ નોંધાયા હતા. ત્યારે છેલ્લા 5 દિવસોમાં 2438 કેસ નોંધાયા હતા. જેમાં તારીખ 27 ના રોજ સૌથી વધુ 599 કેસો નોંધાયા હતા. જ્યારે તા. 24 એ 360, તા. 25 એ 459, તા. 26 એ 550 અને તારીખ 28 એ 470 કેસ નોંધાયા હતા.
જ્યારે આખું ગુજરાત પાણીમાં છે, ત્યારે 108ને પ્રેગ્નન્સીમાં મદદ માટે સૌથી વધુ કોલ મળ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં 6,137 પ્રેગ્નન્ટ મહિલાઓને 108 દ્વારા મદદ પહોંચાડવામાં આવી હતી. વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે લોકો વિવિધ સારવાર મેળવી શકતા નથી. ત્યારે આ ટાણે 108 સેવા કોઇ પણ પરિસ્થિતિમાં દર્દી પાસે પહોંચીને તેની સારવાર કરે છે. આ અઠવાડિયામાં ભારે વરસાદના પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોનું રોજિંદુ જીવન વિખરાયુ હતુ. તો છેલ્લા ચાર દિવસમાં 108 ને કુલ 22,972 કોલ મળ્યા હતા. જેમાં સૌથી વધારે કોલ અમદાવાદ અને વડોદરામાંથી કરવામાં આવ્યા હતા.
ઓગસ્ટ માસના શરૂૂઆતના 15 દિવસોમાં 108 ને 4341 કોલ આવ્યા હતા. ત્યારે ભારે વરસાદના પગલે આ 6 દિવસોમાં રોજ સરેરાશ 4000 થી વધુ કોલ મળ્યા હતા. જેમાં સૌથી વધારે કોલ પ્રેગ્નન્સી, પેટમાં દુખાવા, અજાણી સમસ્યા, વાહન અકસ્માતમાં ઈજા, સામાન્ય ઇજા, શ્વાસમાં તકલીફ, તાવ, કાર્ડિઆક, સ્ટ્રોક, માથામાં દુખાવા અને બિહેવિયર પ્રોબ્લેમના હતા.
તારીખ 26 થી 27 સુધીમાં કેસોમાં સતત વધારો નોંધાયો હતો. જેમાં તારીખ 26 ઓગસ્ટે સામાન્ય દિવસો કરતા 6.89 ટકા કેસ વધ્યા હતા. તારીખ 27 ના રોજ ઇમરજન્સી કેસોમાં 18.80 ટકાનો વધારો થયો હતો. જ્યારે તારીખ 28 ના રોજ તમામ કેસોમાં 11.96 ટકા જેટલો વધારો થયો હોવાની માહિતી મળી હતી.
વધુ માહિતી આપતા 108 ના ચીફ ઓપરેટીંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતુ કે ભારે વરસાદના પગલે 108 ઇમરજન્સી સેવાના આશરે 4000 થી વધારે કર્મચારીઓ આ સેવામાં લાગ્યા હતા. ભારે વરસાદમાં રાજ્યભરમાંથી સૌથી વધારે ઇમરજન્સી કેસ અમદાવાદ અને વડોદરા જિલ્લામાંથી આવ્યા હતા. 108 જરૂૂરિયાતમંદોને કોઇ પણ સ્થિતિમાં તેમની પાસે પહોંચીને સેવાઓ પૂરી પાડે છે. હાલના આ 5-6 દિવસોમાં પણ ઘણા એવા વિસ્તારોમાંથી કોલ મળ્યા હતા. જ્યા પહોંચી શકાય તેમ ન હતું, ત્યાં અમે લાંબા રૂૂટ પર પસાર થઇને ઉપર પણ દર્દીની સારવાર આપી છે.