રાજકોટ સહીત રાજ્યભરમાં દારૂનું દુષણ વધી રહ્યું છે ત્યારે નસેડીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં યુવાન અને પ્રૌઢનું દારૂની કુટેવથી બેભાન હાલતમાં મોત નિપજયું છે. બન્નેના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા ભરતભાઇ ગોરધનભાઇ જેઠવા (ઉ.વ.42) પોતાના ઘરે હતો ત્યારે સાંજના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં તેનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ચાર ભાઇમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે અને ટીપરવાનમાં મજુરી કામ કરતો હતો. દારૂ પીવાની કુટેવના કારણે શરીર પતી જતા મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલા સ્લમ કવાર્ટરમાં રહેતા સુરેશભાઇ ઠાકરશીભાઇ પરમાર નામના 47 વર્ષના પ્રૌઢ રાત્રીના અરસામાં બેભાન થઇ જતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સુરેશભાઇ પરમાર બે ભાઇમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સુરેશભાઇ પરમારનું દારૂ પીવાની કુટેવના કારણે બેભાન હાલતમાં મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.