કાંકરેજ તાલુકામાં એક મહિલા સાથે ચાર શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. મહિલા ઘરે કામ કરતી હતી તે સમયે ચાર નરાધમ શખ્સોએ ઘરે આવીને મહિલાને મારી નાખવાની ધમકી આપીને બળજબરી પૂર્વક મહિલાનું મોઢું દબાવીને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, કાંકરેજ તાલુકાના એક ગામની મહિલા ઘરે કામ કરતી હતી. આ સમયે લવકુશ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રઘુભા વાઘેલા અને દિલીપસિંહ વાઘેલાએ પિડીતા મહિલાના ઘરે આવી અને મહિલાને કહેવા લાગેલા કે તારો પતિ હાલમાં ક્યાં છે. આ સમયે મહિલાએ કહ્યું હતું મારા પતિ હાલમાં જમીને બહાર ગયેલા છે. આ વાત કરતા નરાધમ શખ્સોએ એકલતાનો લાભ લઈ મહિલાને બળજબરીથી ઘરમાં લઈ ગયેલ અને દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ નરાધમ શખ્સોએ પીડિત મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને કહ્યું હતું કે, આ વાત કોઈને કરીશ તો અમે તને અહીંયા રહેવા નહીં દઇએ અને જાનથી મારી નાંખીશું. જે બાદ પીડિત મહિલાએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.