સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે પતિ, બે પુત્રી તથા ભાઈ સાથે રહેતી 24 વર્ષની પરિણીતાએ આપઘાત કર્યો હતો. રવિવારે તબિયત સારી ન હોય પત્નીએ રજા લેવાનું કહ્યું પણ સોમવારે રજા હોવાથી પતિ નોકરીએ ગયો આથી પત્નીએ રાત્રે જ પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.
12 કલાકની નોકરી કરતો પતિ રજા લઇને સમય આપતો ન હતો
બગુમરા ગામે મહાદેવ સોસાયટીમાં સોનીકુમારી ભોલાકુમારસિંગ (ઉ.વ.૨૪, મૂળ રહે. મગરધા, જી.સાગર, બિહાર) પતિ ભોલાકુમારસિંગ અને બે પુત્રી તથા નાના ભાઈ મુનાકુમાર સાથે રહેતી હતી. સોનીકુમારીના છ વર્ષ પહેલા સામાજિક રીત રિવાજ મુજબ ભોલાકુમારસિંગ સાથે લગ્ન થયેલા હતા અને લગ્નજીવનમાં બે દીકરી છે. ભોલાકુમારસિંગની નોકરી 12 કલાકની હોવાથી તે પત્નીને ઓછો સમય આપી શકાતો હતો. જેથી સોનીકુમારી અવારનવાર પતિ ભોલાકુમારસિંગને નોકરીમાંથી રજા લઈ સમય આપવા કહેતી હતી.
પરંતુ નોકરીના પગારમાં ગુજરાન ચાલતું હતું. તેમજ રજા પાડવાથી છૂટા કરી દેતા ભોલાકુમારસિંગ રજા લેતો ન હતો. આ દરમિયાન રવિવારે સોનીકુમારીની તબિયત સારી ન હોવાથી તેણે પતિને રજા લેવાનું કહ્યું હતું, પરંતુ સોમવારે રક્ષાબંધનની રજા રહેતા તેમજ પગાર પણ આપેલો ન હોવાથી ભોલાકુમારસિંગે રજા લીધી ન હતી.
પત્નીએ રાત્રે જ કર્યો આપઘાત
આ વાતનું લાગી આવતા રાત્રિના સમયે સોનીકુમારીએ બેડ ઉપર ઉભા રહીને છતના પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. સવારે છ વાગ્યે ભોલાકુમારસિંગને મોટી દીકરીએ ખાવા માટે જગાડતા પલંગની ઉપર પંખાની સાથે ઓઢણી બાંધી પત્ની સોનીકુમારીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતાં ભોલાકુમારસિંગે તરત જ પત્નીને નીચે ઉતારી પરંતુ જીભ બહાર નીકળેલી હોવાથી નોકરી ઉપર ગયેલા સાળા મુન્નાને જાણ કરતાં બંને પલસાણા પોલીસમાં જઈ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે હાલ તુરંત અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ બારડોલી ડીવાયએસપી એચ.એલ.રાઠોડે હાથ ધરી છે.