ગુજરાતમાં સિનિયર સિટીઝન પર થતાં ગુનાના પ્રમાણમાં ચાર વર્ષમાં ૪૪ ટકા જેટલો વધારો નોંધાયો છે. સિનિયર સિટીઝન પર હુમલાની ઘટના નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૨૦ હતી અને જે ૨૦૨૨-૨૩માં ૬૦૪ નોંધાઇ છે. આ સમયગાળામાં સિનિયર સિટીઝન પર ચોરી, લૂંટ, ગેરવસૂલી, છેતરપિંડી જેવી ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
દર વર્ષે અનેક દેશમાં ૨૧ ઓગસ્ટની ઉજવણી ‘વર્લ્ડ સિનિયર સિટીઝન ડે’ તરીકે કરવામાં આવે છે ત્યારે વૃદ્ધ નાગરિકો પર થતાં હુમલાની ઘટના ચિંતાજનક છે. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ૧ એપ્રિલ ૨૦૨૦થી ૩૧ માર્ચ ૨૦૨૩માં વૃદ્ધો સામે ગેરવસૂલીની ૨૯, લૂંટની ૯૬, છેતરપિંડીની ૨૬૮ અને ચોરીની ૧૨૪૩ ઘટના નોંધાયેલી છે. એક્સટોર્શન (ગેરવસૂલી)ના કેસ ૨૦૨૧-૨૨માં ૬ હતા અને ૨૦૨૨-૨૩માં વધીને ૧૫ થયેલા છે.
જાણકારોના મતે, વૃદ્ધો પર એક્સટોર્શનના મોટાભાગના કેસ ‘સેક્સટોર્શન’ ને લગતા હોય છે. જેમાં સોશિયલ મીડિયામાં તેમને બ્લેકમેલ કરીને નાણા વસૂલવામાં આવતા હોય છે. આ ઉપરાંત ઓટીપી, એટીપી ફ્રોડમાં પણ તેમને છેતરપિંડીનો વધારે સામનો કરવો પડે છે. એનસીઆરબીના અહેવાલ અનુસાર વૃદ્ધો સામે છેતરપિંડીની ૨૦૨૧માં ૯૬- ૨૦૨૨માં ૮૧, બળાત્કારની ઘટના ૨૦૨૧માં ૧-૨૦૨૨માં ૧, હત્યાની ઘટના ૨૦૨૧માં ૬૭-૨૦૨૨માં ૪૯ નોંધાઇ હતી.
આ ઉપરાંત છેલ્લા ૧૦ વર્ષમાં ૨૨૦૮ પુરુષ-૪૦૮ મહિલા એમ ૨૬૧૬ નિવૃત્ત વ્યક્તિઓ દ્વારા આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવામાં આવ્યું છે. આત્મહત્યાના મોટાભાગના કિસ્સામાં એકલવાયું જીવન, લાંબા સમયની બીમારી જવાબદાર હોવાની વિગત સામે આવેલી છે. વર્ષ ૨૦૧૮માં ૨૬૦ જ્યારે વર્ષ ૨૦૨૨માં ૩૩૪ નિવૃત્ત વ્યક્તિએ આત્મહત્યા કરેલી હતી.
તજજ્ઞોના મતે, રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ અગાઉ વૃદ્ધો નાગરિકો માટે ૧૪૫૬૭ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે. જેમાં સરકારની વૃદ્ધ પેન્શન યોજના, નાગરિકોની સરકારી યોજનાનું માર્ગદર્શન અને નિરાકરણ, વૃદ્ધાઓની સારવાર અને સંભાળ તથા વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધાશ્રમ અંગેની માહિતી પૂરી પાડવાની જવાબદારી પણ હેલ્પલાઇન દ્વારા પૂરી પાડવામાં આવે છે.(૨૩.૮)