વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા અને જીઆરડીમાં નોકરી કરતા યુવકે પત્નીના ત્રાસથી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ માતા-પિતાને પણ ત્રાસ આપી ઘર બહાર કાઢી મૂક્યા હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા પ્રકાશ માવજીભાઈ મકવાણા નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશ મકવાણાના 10 વર્ષ પૂર્વે ચંદાબેન સાથે લગ્ન થયા હતા. અને પ્રકાશ મકવાણા હાલ વાંકાનેર તાલુકામાં જીઆરડીમાં ફરજ બજાવે છે. પત્ની ચંદાબેનના ત્રાસથી કંટાળી પ્રકાશ મકવાણાએ ફીનાઇલ પી લીધું હોવાનો આક્ષેપ કર્યો છે અને આ ઉપરાંત પ્રકાશ મકવાણાએ વધુ જણાવ્યું હતું કે અગાઉ પિતા માવજીભાઈ મકવાણા અને માતા હંસાબેન મકવાણાને પણ પત્ની ચંદાબેને ત્રાસ આપી ઘર બહાર કાઢી મૂક્યા હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. અને જી.આર.ડી મેન પ્રકાશ મકવાણાએ પત્ની ચંદાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.