આ સપ્તાહમાં 15મી ઓગષ્ટથી માંડીને રક્ષાબંધનની રજા હોવાથી ઘણાં પરિવારોએ મીની વેકશનની રજા ગાળવા હરવા ફરવાના સ્થળોએ ઉપડ્યાં છે. જોકે, ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે છુરાબાજીની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી છવાઈ છે. એટલુ જ નહીં, તોફાનો થતાં ઉદયપુરમાં રજા માણવા ઇચ્છુક ગુજરાતીઓની રજાના રંગમાં ભંગ પડયો છે. છેલ્લી ઘડીએ હોટલ બુકિંગ રદ કરવા પડયા છે. સાથે સાથે ટુર પેકેજ બદલવા પડ્યાં છે.
તોફાનોને પગલે 10-20 ટકા હોટલ બુકિંગ રદ કરાયા
ઉદયપુરમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુરાબાજીની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. તોફાનો થતાં પોલીસ સ્થિતી પર નજર રાખી રહી છે. દરમિયાન, મીની વેકેશન માણવા માટે ગુજરાતી પ્રવાસીઓએ ઉદયપુરમાં ત્રણ દિવસ-બે રાત્રીના ટુર પેકેજ પર જવાનું પસંદ કર્યુ હતું પણ તોફાનોને પગલે 10-20 ટકા હોટલ બુકિંગ રદ કરાયા છે. માત્ર ઉદયપુરમાં જ વિવિધ હોટલોમાં અંદાજે 200થી વધુ રુમ બુકિંગ કેન્સલ થયુ છે.
ગુજરાતી પ્રવાસીઓએ કુંભલગઢ- રાણકપુર જવાનું પસંદ કર્યુ
ટુર ઓપરેટરોનું કહેવુ છેકે, ઉદયપુરમાં તંગદીલી છવાઈ છે પરિણામે ગુજરાતી પ્રવાસીઓએ હોટલ બુકિંગ રદ કરાવી કુંભલગઢ- રાણકપુર જવાનું પસંદ કર્યુ હતુ. આ ઉપરાંત ઘણાંએ તો ચિતોડગઢ પર પણ પસંદગી ઉતારી હતી. અમુક પરિવારોએ નાથદ્વારા જઈને રજાનો આનંદ માણ્યો હતો. ઉદયપુરમાં હોટલ બુકિંગ રદ થતાં નાથદ્વારામાં મોટાભાગની હોટલો હાઉસફુલ થઈ હતી.
હોટલ સંચાલકોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો
ઉદયપુરમાં તોફાનો થતાં ગુજરાતીઓની મીની વેકેશનની રજા બગડી ગઈ હતી તેનુ કારણ છેકે, ઉદયપુર ગુજરાતીઓનું હોટ ડેસ્ટિનેશન બની રહ્યુ છે. તોફાનોને પગલે ઉદયપુરમાં પણ બુકિગ રદ થતાં હોટલ સંચાલકોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.