મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી ફૂડ પોઈઝનિંગની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં પોષણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ બિસ્કીટ ખાધા બાદ જિલ્લા પરિષદ શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. જેમાંથી 80 જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મેડિકલ ઓફિસરે જણાવ્યું કે શનિવારે સવારે 8:30 વાગ્યાની આસપાસ બિસ્કિટ ખાધા બાદ 257 વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ જેવા લક્ષણો જોવા મળ્યા. તેમાંથી 153 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા,
જેમાંથી કેટલાકને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. કુલ સાત વિદ્યાર્થીઓમાં ગંભીર લક્ષણો હતા, તેથી તેમને વધુ સારવાર માટે છત્રપતિ સંભાજીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાકીના બાળકોની હાલત સ્થિર છે.
એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, કેકેટ જલગાંવ ગામની શાળામાં શનિવારે સવારે લગભગ 8.30 વાગ્યે બિસ્કિટ ખાધા પછી બાળકોને ઉબકા અને ઉલ્ટી થવા લાગી. સરકારી શાળામાં કુલ 296 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ અંગેની માહિતી મળતાં જ ગામના વડા અને અન્ય અધિકારીઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા અને બાળકોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી. ફૂડ પોઈઝનિંગના કારણો તપાસ હેઠળ છે
નોંધનીય છે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ રાજ્યની 86,000 શાળાઓમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 1.12 કરોડથી વધુ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને બુધવાર કે શુક્રવારે બાફેલા ઈંડા અથવા ઈંડાની બિરયાની અથવા ઈંડા પુલાવ આપવામાં આવે છે.