ભારતીય ચૂંટણી પંચની દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. થોડીવારમાં જ પંચ જમ્મુ-કાશ્મીર તેમજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરશે. ઉલ્લેખનીય છેકે 370ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
જમ્મુ-કાશ્મીરના લોકો પરિવર્તન ઇચ્છે છે : મુખ્ય ચૂંટણી કમિશનર
ચૂંટણી પંચે આજે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો પરિવર્તન ઈચ્છે છે. તમામ લોકો ચૂંટણી માટે ઉત્સુક છે. અમારી ટીમે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની પણ મુલાકાત લીધી હતી. અમે હવામાન સુધરવાની રાહ જોઈ રહ્યા હતા. અમરનાથ યાત્રા પૂરી થવાની રાહ જોવાઈ રહી હતી. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં 87.09 લાખ મતદારો છે. અહીં 20 લાખથી વધુ યુવાનો છે. ફાઈનલ મતદાર યાદી 20 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.
હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો
તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના અધિકારીઓ સાથે આ મામલે બેઠક યોજી હતી. હરિયાણાની વાત કરીએ તો અહીં કુલ 90 વિધાનસભા બેઠકો છે. હાલમાં 3 બેઠક ખાલી છે. ભાજપ પાસે 41 ધારાસભ્યો છે તો જેજેપીના 10 અને કોંગ્રેસના 29 તથા INLD અને HLP ના એક એક ધારાસભ્ય છે. ગૃહમાં પાંચ અપક્ષના ધારાસભ્યો પણ છે.
જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું
2019માં કલમ 370 રદ કરાયા બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું હતું. ત્યારથી ત્યાં રાજકીય પક્ષો રાજ્યનો સંપૂર્ણ દરજ્જો પરત કરવાની માગ કરી રહ્યા હતા. સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી યોજાશે અને તેના પછી રાજ્યનો દરજ્જો મળશે. ચૂંટણી પંચના સૂત્રો અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી ચાલુ મહિનાના અંત સુધીમાં પરિણામો જાહેર કરવામાં આવી શકે છે.