રાજકોટમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતા પ્રોઢ જંક્શન પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ લક્ષ્મી કરિયાણા ભંડારમાં ખુલી લીફ્ટની અંદર કલર કામ કરતા હતા ત્યારે અચાનક કોઈએ લીફ્ટ ચાલુ કરી દેતા કલરકામ કરતા પ્રૌઢનું માથુ લીફ્ટમાં ફસાઈ ગયું હતું લીફ્ટમાં ફસાઈ જવાથી પ્રૌઢનું મોત નિપજ્યું હતું. તહેવાર ટાણે જ પ્રૌઢના મોતથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતા હરેશભાઈ વિઠ્ઠલભાઈ સાપરા નામના 45 વર્ષના પ્રૌઢ ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં જંક્શન પ્લોટ મેઈન રોડ ઉપર આવેલા લક્ષ્મી કરિયાણા ભંડારમાં લીફ્ટ ખુલી રાખી લીફ્ટની અંદર કલર કામ કરતા હતા ત્યારે લીફ્ટમાં માથુ ફસાઈ ગયું હતું. ઘટનાને પગલે લોકો એકઠા થઈ ગયા હતાં અને લીફ્ટમાં ફસાઈ ગયેલા પ્રૌઢને તાત્કાલીક બહાર કાઢીબેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યા પ્રોઢની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ ચોકીનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પ્રૌઢના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક હરેશભાઈ સાપરા બેભાઈ એક બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે હરેશભાઈ સાપરા લક્ષ્મી કરિયાણા ભંડારમાં લીફ્ટ ખુલી રાખીને કલરકામ કરતા હતા ત્યારે ઉપરથી કોઈએ અચાનક લીફ્ટ ચાલુ કરી દેતા હરેશભાઈ સાપરાનું માથુ લીફ્ટમાં ફસાઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. તહેવાર ટાણે જ ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આબનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.