વડોદરા ગ્રામ્યના ડભોઇ પોલીસ મથક વિસ્તારમાં આવતા કરનેટ ગામે ખાણ 29 હજાર મેટ્રીક ટન ગેરકાયદેસર રેતીનું ખનન કરવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ મામલે રેતી ખનન તથા તેના થકી પર્યાવરણને નુકશાનની કિંમત રૂ.98.67 લાખ ગણવામાં આવે છે. આખરે ઉક્ત મામલે ચાર સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડભોઇ પોલીસ મથકમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજખાતાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશન એલ. રાણવાએ મહેશ ગોરધન પાટણવાડિયા, વસાવા સુરેશ ઉર્ફે મનુ બચુ, જીગ્નેશ વસાવા અને મુકેશ મોહન વસાવા (તમામ રહે. કરણેટ) સામે લેખિતમાં અરજી આપી હતી. જે બાદ તમામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંગે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ વડોદરા જિલ્લાની કચેરી ખાતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે. જિલ્લાના વિસ્તારોમાં જ્યાં ખનીજની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય ત્યાં ચેકીંગ કરીને કાર્યવાહી તેમણે કરવાની હોય છે. તાજેતરમાં કટેરીના ભૂસ્તરશાસ્ત્રીને ટેલિફોનીક ફરીયાદ મળી હતી. જેમાં ડભોઇ તાલુકાના કરનેટ ગામથી રતનપુર જતા બ્રિજ નજીક ઓરસંગ નદી-સરકારી પડતર જમીનમાં સાદી રેતી ખનીજની ચોરીની બાબતનો ઉલ્લેખ હતો. બાદમાં સ્થળ પર તપાસ કરતા ત્યાં કોઇ મશીનરી, વગેરે મળી આવ્યું ન હતું. આ અંગે સ્થાનિકો પુછતા જાણવા મળ્યું કે, નદીમાં આવવા-જવા માટેનો રસ્તો રતનપુર ગ્રામ પંચાયત દ્વારા ખોદવામાં આવ્યો છે. તેમજ છેલ્લા 4-5 દિવસથી રેતીનું ખનન નહી થતું હોવાનું પણ સપાટી પર આવ્યું હતું.
બાદમાં તલાટી, લીઝ ધારકો સાથે સંપર્ક કરતા અલગ અલગ કારણોસર હાજર રહી શકે તેમ ન હતું. બાદમાં કરનેટ ગામના લોકોને બોલાવવામાં આવ્યા હતા. તે બાદ સાદી રેતીનું ખનન કરવામાં આવતું હોવાનું ખોદકામ જોવા મળ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મહેશ ગોરધન પાટણવાડિયા, વસાવા સુરેશ ઉર્ફે મનુ બચુ, જીગ્નેશ વસાવા અને મુકેશ મોહન વસાવા (તમામ રહે. કરનેટ) દ્વારા ગેરકાયદેસર રેતી ખનનનું કાર્ય કરવામાં આવ્યું હતું. જો કે, તપાસના સ્થળે કોઇ પણ મશીનરી કે સાધનસામગ્રી મળી આવ્યા ન હતા. બાદમાં માપણી કરીને ચકાસણી કરવામાં આવતા ખનન ખોદકામ સર્વે નંબર જૂનો 12, જે નવો સર્વે નંબર 15 વાળા વિસ્તારમાં કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું હતું. માપણીના સ્થળે કોઇ પણ પ્રકારની પૂર્વમંજૂરી વગર 29 હજાર મેટ્રીટ ટન સાદી રેતીનું ખોદકામ થયાનું માલુમ પડ્યું હતું. જેની સરકારી કિંમત રૂ.69.97 લાખ અને પર્યાવરણીય નુકશાનની કિંમત રૂ.28.69 લાખ થયું હોવાનું ફલિત થતા ચાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.