તાજેતરમાં જ દેશમાં લોકસભાની ચૂંટણી પુરી થઇ છે, ગુજરાતમાં ફરી એકવાર ભાજપે સારુ પ્રદર્શન કર્યુ છે, તો કોંગ્રેસ આ વખતે છેલ્લી બે ટર્મ બાદ પ્રથમ વાર એક બેઠક મેળવવામાં સફળ રહી છે. હવે આ બધાની વચ્ચે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસમાં ફરીથી કકળાટની સ્થિતિ સામે આવી છે. જિલ્લામાં ગીર સોમનાથના ધારાસભ્ય સામે પાર્ટીના જ નેતાઓ બળાપો ઠાલવ્યો છે. જેને લઇને જિલ્લામાં રાજકીય ગરમાગરમી વધી ગઇ છે.
મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં કકળાટની સ્થિતિ પેદા થઇ છે. જિલ્લામાં આંતરિક કકળાટ બાદ બે મોટા નેતાઓના જૂથો આમને સામને આવી ગયા છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે બળાપો ઠાલવતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર મોટા આરોપો લગાવ્યા છે. કરશન બારડે આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્ય વિમલ ચૂડાસમા ચૂંટણી આવે એટલે ભાગી જાય છે, અંદરખાને ભાજપને મદદ પણ કરે છે. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. કરશન બારડે વધુમાં કહ્યું કે, જિલ્લામાં ભાજપ સાંસદ અને કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચૂડાસમા વચ્ચે સેટિંગ ચાલી રહ્યું છે.