રમકડા, ખાણીપીણી સહિતના સ્ટોલની કિંમતમાં સીધો જ ૩૦ થી ૪૦ ટકા ભાવવધારો ઝીંકી દેવાયો
ફાયરસેફટી સહિતના નીતિ નિયમો વેપારીઓ ઉપર ઠોકી દેવાયા, પાથરણાવાળાઓને મેળામાં અંદર બેસવાની મંજૂરી ન આપો : વેપારીઓની કલેકટરને રજુઆત
આ વખતનો લોકમેળો વેપારીઓ માટે આફતરૂપ જેવો બની ગયો છે. રમકડા, ખાણી પીણી સહિતના સ્ટોલની કિંમતોમાં સિધા જ 30 થી ૪૦ ટકા ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ સિવાય ફાયરસેફટી સહિતના નીતી નિયમો વેપારીઓ ઉપર ઠોકી દેવામાં આવ્યા હોય, આ બાબતે લોકમેળામાં સ્ટોલ રાખતા વેપારીઓએ કલેકટરને રજુઆત કરી છે. લોકમેળાના સ્ટોલ ધારકોએ જણાવેલ કે અમે આશરે ૨૫ વર્ષથી વધુ સમયથી લોકમેળામાં સ્ટોલ નાંખી વેપાર કરીએ છીએ. આ વખતે રમકડા, ખાણી-પીણી સહિતના સ્ટોલની કિંમતોમાં ૩૦ થી ૪૦ ટકાનો ભાવવધારો કરી દેવામાં આવ્યો છે. દર વર્ષે ૩૦ હજાર સુધી આપવામાં આવે છે જે આજદીન સુધી પરત આપવામાં ડીપોઝીટ રૂપે પ હજારથી લઇ આપવામાં આવતી નથી. આ ઉપરાંત સ્ટોલધારકે સોગંદનામુ રજુ કરવાનું કહેવામાં આવ્યું છે. તેમજ ફાયરસેફટીના સાધનો, સીસીટીવી કેમેરા લગાવવાનું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. વેપારીઓને જણાવેલ કે આટલી રકમની ફી વસુલવામાં આવે છે તો કેમેરા પણ તંત્ર દ્વારા જ લગાવી દેવામાં આવે. આ ઉપરાંત મેળામાં જગ્યા મોટી કરવા માટે સ્ટોલની સાઇઝ નાની કરી દેવામાં આવી છે. પરંતુ ત્યાં પાથરણાવાળા બેસી જાય છે અને જરૂરીયાત કરતાં પણ વધારે જગ્યા રોકી લેતા હોય છે. તેના પર પુરતુ ધ્યાન આપવામાં આવે તેમ ભરત વણઝારા, ધાર્મિક પટેલ, સંજય તન્ના, ચીરાગ ઠક્કર, શબીર થઇમ, કીશનભાઇ, સુમિતભાઇ, હીરેન જોબનપુત્રા, અરવિંદ વ્યાસ, જાવેદભાઇ વિગેરેએ જણાવ્યું હતું.