ગેમઝોનના અગ્નિકાંડ માટે પદાધિકારીઓ પણ જવાબદાર : અતુલ રાજાણીની આગેવાનીમાં કમિશ્નરને અપાયું આવેદન
ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મહાપાલિકાની ચૂંટાયેલી બોડીને સુપરસીડ કરવાની સરકાર પાસે માંગણી કરતું આવેદનપત્ર આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિ.કમિશ્નરને આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ આવેદનમાં જણાવ્યું છે કે તા.25-5-24ના રોજ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકોના ભુંજાઇ જવાથી મૃત્યુ થયા હતા. મૃતદેહોની ઓળખ પણ થઇ શકી ન હતી. ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહો પરિવારોને સોંપાયા હતા. રપ જુલાઇને આ ઘટનાને બે મહિના પૂરા થશે. છતાં પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી. હાલ સુધીમાં માત્ર અધિકારીઓની બદલી, સસ્પેન્ડ, ધરપકડ જેવી કાર્યવાહી થઇ છે. મુખ્ય જવાબદારી કોર્પો.ની અને પદાધિકારીઓની પરોક્ષ કે પ્રત્યક્ષ જવાબદારી ગણાય. આથી આ મામલે રાજકોટ કોર્પોરેશનને સુપરસીડ કરવી જોઇએ. આગામી દિવસોમાં મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, નેતા, દંડક, 15 સમિતિના ચેરમેન સહિત ભાજપના તમામ 68 કોર્પોરેટરોએ જવાબદારી સ્વીકારીને રાજીનામા આપવા જોઇએ. મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકા સુપરસીડ કરી શાસકોને ઘર ભેગા કરાયા હતા. તો રાજકોટમાં કોર્પો.ને સુપરસીડ શા માટે ન કરાય? આ માટે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવા કોંગ્રેસની તૈયારી છે. મનપાના બજેટની કુલ રકમ કરતા વધુ ભ્રષ્ટાચાર કોર્પો.ના કામો, મંજૂરીઓ, પરવાનગીઓ મેળવવા, ડિમોલીશન કરવા અને નહીં કરવા જેવા કામોમાં થતો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો છે. આ આવેદન પાઠવવામાં પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, ભાનુબેન સોરાણી, સંજય અજુડીયા, ડો. ધરમ કાંબલીયા, ગોપાલ અનડકટ, રાજદીપસિંહ જાડેજા, યુનુસ જુણેજા, મેઘજીભાઇ રાઠોડ, કોમલબેન ભારાઇ, કૃષ્ણદત રાવલ, સુરેશ બથવાર, રણજીત મુંધવા, ગૌરવ પુજારા, ઘનશ્યામસિંહ જાડેજા, દિપ્તીબેન સોલંકી વગેરે જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા આજે કમિશ્નર મારફત શહેરી વિકાસ સચિવને આવેદન પાઠવવામાં આવ્યું હતું.