માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ 22 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે
“દીકરાનું ઘર” દ્વારા 2018 થી માતાપિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર, નિ:સહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સતત સાતમા વર્ષે આ અદકેરું આયોજન હાથ ધરાયું છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વહાલુડીના વિવાહ 7 ના મુખ્ય યજમાન પદે એસ કોમ્પયુટરના સંચાલક સંજયભાઇ ધમસાણીયા માધવીબેન ધમસાણીયા પરિવાર જોડાયેલ છે. આગામી ડિસેમ્બરની 29 તારીખે સતત સાતમા વર્ષે વહાલુડીના વિવાહ 7 “દીકરાનું ઘર” દ્વારા અત્યંત ભવ્યાતીભવ્ય છતાં ગરીમાપૂર્ણ રીતે યોજાશે. રર દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. સતત સાતમા વર્ષે દીકરાનું ઘરની ટીમને આવી દીકરીઓના માતા-પિતા કે ભાઈ બનવાનું સદભાગ્ય મળ્યું છે. આ લગ્નની વિશેષતા એ કે ગુજરાતના કોઈપણ ખૂણે દેશ કાજે શહીદ થયેલ જવાનની દીકરીને સંસ્થા દ્વારા લગ્ન કરાવી આપવામાં આવશે. ઉપરાંત પાંચ લાખથી વધુ રકમનું સમૃદ્ધ કરીયાવર પણ આપવામાં આવશે. ગુજરાતના કોઈપણ ખૂણે આવા શહીદ થયેલ જવાનની દીકરી ધ્યાન દોરવા જણાવ્યું છે. વહાલુડીના વિવાહ -7 ની વિશેષ માહિતી આપતા મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ડો.નિદત બારોટ, પ્રતાપભાઈ પટેલ, ધીરૂભાઈ રોકડ, મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ સતાણી, વસંતભાઈ ગાદેશા તેમજ હસુભાઈ રાચ્છે વધુમાં જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરીયાવર ભેટ રૂપે 250 થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવશે. વહાલુડીના વિવાહ-7 નું ફોર્મ વિતરણ તા.22/7 થી તા.29/8 સુધી સાંજના 4.00 થી 7.00 સુધી 305, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, વિરાણી ચોક, ટાગોર રોડ ઉપર કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉંમરનું પ્રમાણપત્ર સાથે લઈ આવવું ફરજિયાત રહેશે. આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, દોલતભાઈ ગદેશા, ગુણુભાઈ ઝાલાડી, પ્રનંદ કલ્યાણી, યશવંત જોશી, જિજ્ઞેશ આદ્રોજા, જીતુભાઈ ગાંધી, હરીશભાઈ હરીયાણી, મહેશ જીવરાજાની, પરીમલભાઈ જોશી, જયેન્દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, પારસ મોદી, પંકજ રૂપારેલીયા, વિપુલભાઇ ભટ, દિનેશભાઈ ગોવાણી, જિજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર.ડી. જાડેજા, ચેતન મહેતા, શૈલેષ દવે, મિહિર ગોંડલિયા, બ્રિજ વૈશ્નવ, કામેબ માજી સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે. દીકરીઓને સમાજના સહકારથી 250થી વધુ કરિયાવરરૂપી વસ્તુઓ ભેટ અપાશે. સેનાના શહીદ જવાનની દીકરીને 5 લાખ સુધીનો કરિયાવર આપશે. વહાલુડીના વિવાહનું ફોર્મ તા.29 ઓગસ્ટ સુધી મળશે તેમ આયોજક અનુપમભાઈ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, ગીતાબેન વોરાએ જણાવ્યું હતું.