રાજયના અનુસૂચિત જાતિના બાળકોને અભ્યાસમાં અસર ન પડે તે માટે રાજય સરકારે સંવેદનશીલ નિર્ણય લઈ ખાસ કિસ્સામાં તાત્કાલિક ધોરણે મહાત્મા ગાંધી (એમ.જી.) સરકારી કુમાર છાત્રાલય, રાજકોટના યુનિટ-૧ અને ૨ ના બાંધકામ માટે કુલ રકમ રૂ.૨૪૩૦.૪૦ લાખના એસ્ટીમેટ મંજૂર કરાતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આભાર વ્યક્ત કર્યો હતો. છાત્રો માટે ૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા તેમજ અત્યાધુનિક સુવિધાઓ સાથેના છાત્રાલયનું બાંધકામ શરૂ કરાશે. રાજકોટમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે હાલ મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલય કાર્યરત છે. જેનું બિલ્ડિંગ જુનું થઈ ગયેલ હોવાથી નવું બાંધકામ કરવું અનિવાર્ય હતું. વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું અને વિદ્યાર્થીઓની રજૂઆત પણ સાંભળી વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે અભ્યાસ ન બગડે તે માટે ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અધિકારીઓને જરુરી સૂચના આપી હતી.