મહાપૂજા, ચરણપાદુકા દર્શન, ઝાંખી, રક્ષાદોરી વિતરણ, આખો દિવસ ભકિતગીતોનો રસપ્રદ કાર્યક્રમ યોજાશે
સદગુરૂ આશ્રમમાં આગામી તા.21મીના રવિવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધુમ પૂર્વક ઉજવવામાં આવનાર છે. આખો દિવસ ભકિતમય સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુરૂપૂર્ણિમા મહોત્સવની મહાપૂજાનો લાભ ભગવાનજી જેઠાભાઈ નથવાણી પરિવારના નરેન્દ્રભાઈ તથા નિકિતાબેન નથવાણીએ પરિવારના નરેન્દ્રભાઈ તથા નિકિતાબેન નથવાણીએ લીધો છે. તેમજ આખો દિવસ લાઈવ ભજીયા રૂપી પ્રસાદીના દાતા ભરતભાઈ મોરારજી નથવાણી પરિવાર છે. જયારે જાંબુ પ્રસાદના દાતા જગદીશભાઈ ચંદારાણા છે. સદગુરૂ આશ્રમમાં શ્રી ગુરૂપૂર્ણિમા મહોત્સવમાં મહાપુજા, ષોડષોપચાર પૂજન 9થી 11 વાગ્યા સુધી, પરમપૂજય સદગુરૂદેવ ભગવાનના દર્શન ઝાંખી માટે સવારે 5-30થી બપોરે 1 વાગ્યા સુધી તથા બપોરે 3થી રાત્રીના 11-30 વાગ્યા સુધી નીજ મંદિર ખુલ્લુ રહેશે. સદગુરૂદેવ ભગવાનના ચરણપાદુકાના દર્શન સવારે 11થી 1-30 તથા બપોરે 3 રાત્રીના 11-30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ સમય દરમ્યાન ભાવિકો પરમપૂજયશ્રી સદગુરૂદેવ ભગવાનના ચરણ પાદુકાના દર્શનનો લાભ લઈ શકશે. ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક આયોજન અંતર્ગત સદગુરૂ રક્ષાદોરી કે જે વર્ષમાં એક જ વખત આપવામાં આવશે, જે બાંધવાથી ચારેય દિશાઓથી ગુરૂદેવનું રક્ષણ મળે છે. ઉપરોકત ગુરૂ પૂર્ણિમા મહોત્સવ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, ગુરૂ ભાઈઓ-બહેનો તેમજ ભાવિકોને આ મહોત્સવમાં ઉપસ્થિત રહી સદગુરૂદેવ ભગવાનશ્રીના દર્શનની ઝાંખી, ‘ભજીયા તથા જાંબુ રૂપી શ્રી સદગુરૂ મહાપ્રસાદ’, રક્ષા દોરી તથા ભકિતમય સંગીતનો અમૂલ્ય લાભ લેવા શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ)ના ટ્રસ્ટી પ્રવીણભાઈ વસાણીએ જણાવેલ છે.