પીઆઈથી લઈ કોન્સ્ટેબલ સુધીની બદલી થવાની તૈયારીમાં : મંગળવારે પોલીસ કમિશ્નરે માંગણી કરેલ અને ભલામણથી બદલી થવા માંગતા સ્ટાફ સાથે મુલાકાત કરી : રાજકીય ભલામણોનો પણ ધોધ વરસ્યો
થોડા દિવસો પહેલા જ પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝાએ એકાએક છ પીઆઈની બદલીનો ગંજીપો ચીપ્યો હતો. ત્યારે જ વધુ બદલીઓ પણ થશે તેવો અણસાર આવ્યો હતો. ત્યારે પીઆઈથી લઈ કોન્સ્ટેબલ સુધીના સ્ટાફની બદલી થવાના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે મંગળવારે પોલીસ કમિશ્નરે માંગણી કરેલ અને ભલામણથી બદલી થવા માંગતા સ્ટાફ સાથે વન ટુ વન બેઠક કરી હતી. જેમાં રાજકીય ભલામણોનો પણ ધોધ વરસ્યો હતો. થોડા સમય પહેલા તત્કાલીન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે તમામ પોલીસ મથકના સ્ટાફની આંતરીક બદલીઓ કરી હતી. જે બાદ જુના પોલીસ મથકમાં જામી ગયેલા સ્ટાફને અન્ય જગ્યાએ ખસેડાતા સ્ટાફમાં નારાજગી જોવા મળી રહી હતી. જે બાદ ઘણા પોલીસ કર્મીઓએ તાત્કાલીક જ ફરીવાર પોતાની મુળ જગ્યાએ જવા પોલીસ કમિશ્નરને માંગણી કરી હતી અને ઘણા પોલીસ કર્મીઓએ રાજકીય નેતાઓ પાસે પોલીસ કમિશ્નરને ભલામણ કરાવી હતી. જે બાદ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ ગયા મંગળવારે બદલીની માંગણી કરનાર તેમજ ભલામણથી બદલી થવા માંગતા પીઆઈથી લઈ કોન્સ્ટેબલ સુધીના પોલીસ સ્ટાફને વન ટુ વન મુલાકાત કરી તેઓને સાંભળ્યા હતા. આગામી સમયમાં શહેર પોલીસમાં મોટાપાયે ફેરફાર થવાની પ્રખર સંભાવના સેવાઈ રહી છે.