પદાધિકારીઓની આળસ કે અણઆવડત : ચાર મહિને જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ
નાણાંપંચની ફાળવણીમાં ‘પક્ષીય રાજકારણ’ : બાળકો મેદાનમાં બેસીને ભણે છે, નાણાંપંચની ગ્રાંટમાંથી ફાળવણીની લેખિત માંગ છતાં ન સ્વીકારાયાનો આરોપ
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આયોજન પંચ, શિક્ષણ તથા રખડતા ઢોરના મુદાઓ પર કોંગ્રેસના સભ્યએ તડાપીટ બોલાવી હતી. લોકસભા ચૂંટણીની આચાર સંહિતા પૂર્ણ થયા બાદ ચારેક મહિના પછી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જો કે, પ્રશ્ર્નો પૂછવામાં સભ્યોએ ખાસ રસ લીધો નહતો. માત્ર 6 પ્રશ્ન પૂછાયા હતા. તેમાં ચર્ચા દરમ્યાન કોંગ્રેસના સભ્યએ તડાપીટ બોલાવી હતી. કોંગ્રેસના સભ્ય મનસુખભાઇ સાકરીયાએ શિક્ષણના મુદ્દા ઉઠાવ્યા હતા. રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડને ધ્યાને રાખીને સ્કૂલોમાં સુરક્ષા માટે કેવા પગલા લેવાયા તેની માહિતી માંગી હતી. આ દરમિયાન માલીયાસણ પાસે પીપળવા ગામે પકડાયેલી નકલી સ્કુલ પકડાઇ છે ત્યારે તંત્ર શું કરે છે? તેવો સવાલ ઉઠાવ્યો હતો. આ સિવાય જસદણના આધીયા ગામે પ્રાથમિક સ્કૂલમાં બિલ્ડીંગના બેંકે બાળકોને મેદાનમાં ભણાવવા પડતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સ્કૂલ માટે નાણાં પંચની ગ્રાન્ટ ફાળવવા ગત જાન્યુઆરીમાં લેખિત માંગ કરવામાં આવી હતી. છતાં આવી કોઇ માંગ કે સૂચન ન થયાનું દર્શાવાતા તેઓએ આક્ષેપનો મારો ચલાવ્યો હતો. પૂર્વ પ્રમુખ ભુપત બોદરના સત્તાકાળમાં કોંગ્રેસ-ભાજપના સભ્યોને નાણાંપંચના કામો માટે સમાન ધોરણે નાણાંકીય ફાળવણી થતી હતી. શાસક-વિપક્ષને બદલે પ્રજાહિતના ધોરણે કામ થતું હતું. હવે વ્હાલા-દવલા અને પક્ષાપક્ષીની નીતિ અપનાવવામાં આવે છે. આ આક્ષેપ બાદ પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ એવો બચાવ કર્યો કે વર્તમાન બોડીમાં પણ સરખી ફાળવણી થાય છે અને કાર્ય પદ્ધતિમાં કોઇ ફેરફાર નથી છતાં સમગ્ર મુદાની તપાસ કરવાની બાહેંધરી આપી હતી. આ પછી રખડતા ઢોર વિશે તેઓએ સવાલ ઉઠાવ્યો હતો અને તડાપીટ બોલાવી હતી. પ્રશ્નોત્તરીમાં માત્ર છ જ પ્રશ્નો હોવા છતાં ત્રણ મુદાઓ પર તડાપીટ બોલી હતી. સામાન્ય સભામાં ડીડીઓ નવનાથ ગવ્હાણે ઉપરાંત સભ્યો અધિકારીઓ હાજર રહ્યા હતાં.
બોક્સ
જુલાઈ માસમાં જિલ્લા પંચાયતની ડાયરી લોન્ચ !?
દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા પંચાયત દ્વારા મોજ ડાયરી તૈયાર કરવામાં આવી છે તેમાં પદાધિકારીઓ સભ્યો અધિકારીઓના નામ સરનામા ફોન નંબર સહિતની માહિતી ઉપલબ્ધ છે. જે આજે તમામ સભ્યોની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી.એપ્રિલ માસમાં થવી જોઈએ એ ડાયરી છેક જુલાઈ માસમાં થયું હતું ત્યારે વહીવટી તંત્રની સક્રિયતા સામે સવાલો ઉઠયાં હતા.
બોક્સ
લ્યો બોલો.. જિલ્લા પંચાયત 43 વૃક્ષો કાપશે અને 30 કીમી દૂર 430 વાવશે !!
રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડીંગ બંધાવાનું છે અને વર્તમાન ઇમારત તોડી નખાશે. નવા બિલ્ડીંગ માટે સંકુલમાં રહેલા 43 વૃક્ષો કાપવા પડશે. આ માટે જનરલ બોર્ડમાં ઠરાવ કરાયો હતો. જો કે સાથોસાથ એમ કહેવામાં આવ્યું હતું કે 43 વૃક્ષોના બદલામાં 10 ગણા અર્થાત 430 વૃક્ષો વાવવામાં આવશે જે કુવાડવા તથા આસપાસના વિસ્તારોમાં વાવવામાં આવશે.
બોક્સ
રસ્તાના 137 કામો માટે 335 કરોડ તથા 800 ચેકડેમ રીપેરીંગની ગ્રાંટ મંગાશે
રાજકોટ જિલ્લામાં સંખ્યાબંધ માર્ગ તૂટી ગયા છે અને બિસ્માર હાલતમાં છે. આવા 137 રસ્તાના કામો માટે 335 કરોડની ગ્રાન્ટ ફાળવવા રજુઆત કરવામાં આવી છે. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ કામો મંજુર કરવાની માંગ કરતો ઠરાવ કરાયો હતો. આ ઉપરાંત જિલ્લાના ચેકડેમના રીપેરીંગ જાળવણી માટે ખાસ પેકેજ ફાળવવા રાજ્ય સરકારને રજૂઆત કરવાનો ઠરાવ કરાયો હતો.