બોર્ડની ગેલેરીમાં ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટર પતિઓ, કાર્યકરો જ જોવા મળ્યા : ક્ષમતા પૂરી થઇ જતા સેક્રેટરીએ પરિવારજનોને બેસવા મંજૂરી નહીં આપ્યાનો વશરામભાઇ સાગઠીયાનો આક્ષેપ
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના આજના જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં કોઇપણ સામાન્ય નાગરિક અરજી કરીને, કોઇ એક ઓળખાણ આપીને મંજૂરી મેળવી શકે તેવા નિયમોનો અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ આ નિયમનો લાભ શાસકો જ સૌથી વધુ ઉઠાવી શકશે તેવું આજે સાબિત થયું હતું. સભા શરૂ થતા પૂર્વે જ પ્રેક્ષક ગેલેરી ફુલ થઇ જતા આશ્ચર્ય સર્જાયુ હતું. પરંતુ બાદમાં ગેલેરીમાં બેઠેલા તમામ સભ્યો ભાજપના જ કોઇને કોઇ હોદ્દેદારો હોવાનું દેખાતા અન્ય સામાન્ય લોકોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવા દેવા કે ન બેસવા દેવા તે વાત શાસકોના હાથમાં જ હોવાનું પણ લાગ્યું હતું. આજે સવારે સભા શરૂ થતા પૂર્વે કોંગી કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા સાથે અગ્નિકાંડ પીડિત ત્રણ પરિવારના સભ્યો પહોંચ્યા હતા. નિયમ મુજબ પ્રક્રિયા કરીને તેમને બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં બેસવું હતું. સાગઠીયાએ કહ્યું હતું કે તેમણે આ સભ્યોને બેસવાની મંજૂરી આપવા પોતાની સહી સાથે પત્ર આપવા સેક્રેટરી પાસે પરવાનગી માંગી હતી. પરંતુ સેક્રેટરીએ પ્રેક્ષક ગેલેરીની ક્ષમતા પૂરી થઇ ગયાનો જવાબ આપ્યો હતો. આ બાદ સભાખંડ અંદર પ્રેક્ષક ગેલેરીમાં મોટા ભાગે ભાજપના જ હોદ્દેદારો અને સભ્યો જોવા મળ્યા હતા. મહિલા મોરચાના કિરણબેન માકડીયા અને તેમની ટીમ, કોર્પોરેટર પતિઓ, પૂર્વ નગરસેવક ગૌતમ ગોસ્વામી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો પ્રેક્ષક ગેલેરીમાં જોવા મળ્યા હતા. એટલે કે સભા શરૂ થાય તે પૂર્વે ભાજપે જ પ્રેક્ષક ગેલેરી પર કબ્જો સંભાળી લીધાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિરોધ પક્ષે ટીઆરપી કાંડની ચર્ચા અને સમય માંગીને સ્થળ પર ઉભા રહીને વિરોધ ચાલુ રાખ્યો હતો. સમય ન આપો ત્યાં સુધી નહીં બેસીએ તેવું કહ્યું હતું. પરંતુ તેમનો વારો આવ્યો ન હતો. તો પ્રેક્ષક ગેલેરીમાં પીડિત પરિવારો કે અન્ય સામાન્ય લોકોને એન્ટ્રી મળે તે પહેલા ગેલેરી હાઉસફુલ થઇ ગઇ હતી! જનરલ બોર્ડમાં આજે પ્રેક્ષક ગેલેરી લોકો માટે હળવા નિયમો સાથે ખુલ્લી મૂકાયાની જાહેરાત વચ્ચે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોથી જ ગેલેરી ફુલ થઇ ગઇ હતી. પ્રેક્ષક ગેલેરીમાં કોર્પોરેટર અનીતાબેન ગોસ્વામીના પતિ ગૌતમ ગોસ્વામી તથા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા સહિતના ભાજપના કાર્યકરો નેતાઓ નજરે પડતા હતા તો પ્રાંગણમાં પીડિત પરિવારના સભ્યોને ગેેલેરીમાં જગ્યા ન હોવાનું કહી પરત વળાવી દેવાયા હતા.