D.E.O નિલેશ રાણીપાએ ‘રિવરઝન’ માંગ્યુ : શિક્ષણ વિભાગમાં દરખાસ્ત
કામના બોજાથી કંટાળી જઈ વર્ગ-1માંથી વર્ગ-2માં મૂળ જગ્યાએ પરત ફરવા માંગણી મૂકયાની ચર્ચા
રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી નિલેશ રાણીપાએ વર્ગ-1 માંથી ફરી વર્ગ-2માં મૂળ જગ્યાએ પરત ફરવા માટે રિવરઝન માંગી આ અંગે રાજય સરકારના શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરી દીધાનું જાણવા મળ્યું છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી નિલેશ રાણીપાને હજુ ફેબુ-2024માં જ શિક્ષણ સેવા સવર્ગ-2 માંથી વર્ગ-1માં પ્રમોશન આપી તેઓને રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષણધિકારીનો ચાર્જ સોપવામાં આવેલ હતો. નિલેશ રાણીપા અગાઉ મોરબી જિલ્લાના એજયુકેશન ઈન્સ્પેકટર (શિક્ષણ નિરીક્ષક) તરીકે વર્ગ-2ની જગ્યા પર ફરજ બજાવતા હતાં. ત્યાંથી તેઓને શિક્ષણ સેવા સંવર્ગ-1માં રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષણધિકારી તરીકે બઢતી આપવામાં આવી હતી. પરંતુ તેઓએ માત્ર છ માસના ટુંકા ગાળામાં જ ફરી શિક્ષણ સેવા સંવર્ગ-2ની મૂળ જગ્યા પર પરત ફરવા માટે રિવરગેન માંગી આ અંગે રાજય સરકારના શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરી દીધી છે. જો કે આ દરખાસ્ત મંજૂર કરવી કે કેમ ?તેનો નિર્ણય શિક્ષણ વિભાગ લેશે. આ અંગે શિક્ષણ જગતમાં ચર્ચાતી ચર્ચા મુજબ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી નિલેશ રાણીપાએ કામના બોજાથી કંટાળી જઈ આ રિવીઝન માંગ્યુ હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યું છે.