ચાંદીપુરાના વાયરસ સામે આવ્યા બાદ એક બાદ એક ખુલાસા અને માહિતી તંત્ર દ્વારા અપાઈ રહી છે ત્યારે રાજકોટ સીવીલ હોસ્પિટલના આરએમઓ ડો. હર્ષદ દુસરાએ માહિતી આપી હતી કે રાજકોટમાં સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ પાંચ બાળ દર્દીના મૃત્યુ થયા હોય આ દર્દી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી હોવાને આધારે આગળની તપાસ થઈ રહી છે. ડો. દુસરાએ જણાવ્યું કે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના પાંચ શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. અહીં દાખલ આ પાંચેય દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જયારથી રાજય સરકાર દ્વારા ચાંદીપુરા વાયરસને લઈ સતર્ક રહેવા સુચના અપાઈ છે ત્યારથી રાજકોટ સીવીલ હોસ્પીટલમાં 100 બેડનો વોર્ડ ઝનાના હોસ્પીટલમાં રીઝર્વ રખાયો છે. આ 100 બેડ માંથી 7 બેડ આઈસીયુ સુવિધા સાથે રખાયા છે. હાલ કોઈ દર્દી ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ જણાતું હોય તેવું કોઈ દર્દી દાખલ છે કે કેમ તેવા સવાલના જવાબમાં તંત્ર દ્વારા મૌન સેવવામાં આવ્યું છે અને કોઈ વધુ આંકડો જાહેર કરાયો નથી. અહીં ટેસ્ટની સુવિધા નથી, સેમ્પલ પુના મોકલવા પડે છે તેમ તંત્રએ જણાવ્યું હતું. રાજકોટ સીવીલ હોસ્પિટલમાં તમામ સુવિધા હોવાના દાવા અનેક વખત થયા છે પરંતુ આજે જયારે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા તે વાયરસના સેમ્પલના ટેસ્ટ અંગે માહિતી મેળવતા સીવીલ હોસ્પિટલના અધિકારીઓ તરફથી જાણકારી અપાઈ હતી કે અહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના સેમ્પલના ટેસ્ટ અંગે કોઈ સુવિધા નથી. એટલું જ નહીં ગુજરાતમાં પણ આ ટેસ્ટ માટેની સુવિધા નથી. સેમ્પલ ફરજીયાત પુના લેબમાં મોકલવા પડે છે.