શ્રી જીવરાજબાપુના જયઘોષ સાથે પૂજન, આરતી, વિશિષ્ટ મહાપ્રસાદ : શિષ્યો ભકતોને ઉમટવા નરેન્દ્રબાપુની અપીલ
સમગ્ર ગુજરાતના દર્શનીય સંસ્થાઓમાં અતિ સુપ્રસિધ્ધ બનેલા શ્રી આપાગીગાના ઓટલો, મોલડી ગામના વળાંક પાસે, ચોટીલા-રાજકોટ હાઇવે તા. 21-7 રવિવારે પરંપરાગત રીતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ખુબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. સદગુરૂદેવ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના પૂજન તેમજ અર્ચન સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં ખુબ જ આદર સહિતનું ધામ એટલે કે સતાધારધામ અને સતાધારધામના સંત બ્રહ્મલીન પરમ પૂજય શ્રી જીવરાજબાપુના શિષ્ય અને શ્રી આપાગીગાના ઓટલાના મહંતશ્રી નરેન્દ્રબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) જણાવે છે કે ગુરૂપૂર્ણિમાનું પાવનપર્વ નજીક આવી રહ્યું છે ત્યારે સમગ્ર શિષ્ય સમુદાય અને ભાવિકોમાં ખુબ જ હરખની હેલી ચઢી છે. ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે સંતો-મહંતોની હાજરીમાં ભકિત તેમજ ભોજનમાં સંગમ થશે. ગુરૂપૂર્ણિમા ચાર વેદોના રચયિતા પરમ પૂજનીય વ્યાસજીનો જન્મદિન હોવાથી વ્યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. અષાઢ સુદ પુનમ રવિવારે શ્રી આપાગીગાના ઓટલે સવારે 10 કલાકે આવેલ સંતો-મહંતો તેમજ ભકતજનોની હાજરીમાં પરમ પૂજય સદગુરૂદેવ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની પ્રતિમાનું સમગ્ર સાધુ સંતો, તેમજ ભકતો દ્વારા પૂજન કરી આરતી કરવામાં આવશે. સમગ્ર ભકતજનોને સંતોના દર્શન, વાણી અને આશિર્વાદનો લાભ મળશે.