રાજકોટમાં રહેતા વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન), દિવ્યાંગો થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્ત નાગરીકોને સીટી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસ અંતર્ગત ફ્રી મુસાફરી યોજનાની તાત્કાલિક અમલવારી સ્ટેન્ડીંગ ચેરમેનન જયમીન ઠાકરે કરાવી છે. દિવ્યાંગોમાં અલગ અલગ ૨૧ કેટેગરીનો સમાવેશ કરવામા આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટમાં જાહેર થયેલ યોજનાઓની સમયબધ્ધ અમલીકરણના સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલી, જેના ભાગરૂપે સીટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસનુ સંચાલન કરીને રાજકોટ શહેરના લાખો નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે રજૂ કરેલા ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન), દિવ્યાંગો થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્ત નાગરીકોને સીટી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસ અંતર્ગત ફ્રી મુસાફરી યોજના અંગેની જાહેરાત કરવામાં આવેલ. જેનુ ત્વરિત અમલીકરણ કરાવવા સંબંધિત અધિકારીઓને રિવ્યુ મિટીંગ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા જરૂરી સુચનાઓ આપવામા આવેલ. જેના અનુસંધાને રાજકોટ રાજપથ લિ. દ્વારા બી.આર.ટી.એસ. બસ સર્વિસ તથા શહેરી બસ સર્વિસમાં વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન), દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીક મુસાફરોને શહેરી બસ સર્વિસ અંતગર્ત મફત મુસાફરી કરવા જરૂરી નિયમાનુસારની પ્રક્રિયા પુર્ણ કરવામા આવેલ છે, જે અન્વયે વિનામુલ્યે મુસાફરી કરવાના પાસ માટેની અરજી પ્રક્રિયા કરવાની રહેશે.
આટલી જગ્યાએથી પાસ નીકળી શકશે, આટલા ડોક્યુમેન્ટ જરૂરી
ફ્રી મુસાફરી પાસ માટેના અરજીપત્રક આજરોજ સોમવારથી જ રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર તેમજ વોર્ડ ઓફિસેથી મળી શકશે. જરૂરી આધાર પુરાવા સાથે સંપૂર્ણ વિગતો ભરેલું કેટેગરીવાઇઝ ફોર્મ, સવારે ૧૦.૩૦ થી બપોરે ૩.૩૦ (૨ થી ૨.૩૦ રિસેષ) સુધીમાં: (૧)સિટી સિવિક સેન્ટર, સેન્ટ્રલ ઝોન; (૨)સિટી સિવિક સેન્ટર, ઇસ્ટ ઝોન; (૩)સિટી સિવિક સેન્ટર, વેસ્ટ ઝોન; (૪)સિટી સિવિક સેન્ટર, અમીનમાર્ગ; (૫)સિટી સિવિક સેન્ટર, કૃષ્ણનગર; (૬)સિટી સિવિક સેન્ટર, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ; ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસે સ્વીકારવામાં આવશે. થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીક, તેમજ દિવ્યાંગોની ૨૧ કેટેગરીમાં સમાવિષ્ટ મુસાફરોએ બસમાં ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ(એક ફોટો ફોર્મમાં ચોંટાડવો અને એક ફોટો સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ (પાન કાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ), એડ્રેસ પ્રૂફની નકલ (રેશન કાર્ડ/ગેસ કનેક્શન બીલ/ ઇલેકટ્રીસીટી બીલ) તેમજ દિવ્યાંગો માટે સિવિલ સર્જનનો દાખલો સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે. ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ(એક ફોર્મમાં ચોંટાડવો અને એક સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ(પાનકાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ) એડ્રેસ પ્રૂફની નકલ(રેશન કાર્ડ/ ગેસ કનેક્શન બીલ/ઇલેકટ્રીક બીલ) સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે.
દિવ્યાંગોમાં આટલી કેટેગરી
રાજકોટ રાજપથ લિ. દ્વારા નિયત કરવામાં આવેલ દિવ્યાંગ વ્યક્તિઓની કેટેગરીમાં અંધત્વ (Blindness), આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય(Muscular Dystrophy), સાંભળવાની ક્ષતિ (Hearing Impairment), ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ(Chronic Neurological Condition), સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ(Hemophilia), ઓછી દ્રષ્ટી(Low Vision), ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા(Parkinson’s Disease), બૌધ્ધિક અસમર્થતા(Intellectual Disability), હિમોગ્લોબિનની ઘટેલી માત્રા(Thelassemia), રકતપિત સાજા થયેલા(Leprosy Cured person), દીર્ધકાલીન અનેમિયા(Sickle Cell Disease), એસીડના હુમલાનો ભોગ બનેલા(Acid Attack Victim), હલન ચલન સાથેની અશકતતા(Locomotor Disability), સેરેબલપાલ્સી(Cerebral palsy), વામનતા (Dwarfism), માનસિક બિમાર(Mental illness), બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ(Multiple Sclerosis), ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા(Specific Learning Disabilities), વાણી અને ભાષાની અશકતતા(Speech and Language Disability), ચેતાતંત્ર- ન્યુરોની વિકાસ લક્ષી સ્થિતિમાં ક્ષતિ(Autism Spectrum Disorder), બહેરા અંધત્વ સહીત અનેક અપંગતા(Multiple Disabilities Including Deaf Blindness) જેવી જુદી જુદી ૨૧ કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ યોજનાનો લાભ મેળવવા માટેના સામાન્ય નિયમો નીચે મુજબના રહેશે.
૧. પાસ કચેરીનાં કામનાં દિવસોમાં ઇસ્યુ કરવામાં આવશે.
૨. પાસ ધરાવનારે મુસાફરી દરમ્યાન ઓરીજીનલ પાસ સાથે રાખવાનો રહેશે. પાસની ઝેરોક્ષ કે ડુપ્લીકેટ પાસ માન્ય રહેશે નહીં. અન્યથા નિયમાનુસારનો દંડ વસુલ કરવામાં આવશે.
૩. કોઈપણ સંજોગોમાં પાસ ધરાવનાર વ્યક્તિ પોતાનો પાસ અન્ય કોઈ વ્યક્તિને મુસાફરી માટે આપી શકશે નહીં, કે તબદીલ કરી શકશે નહીં. કોઇ વ્યક્તિના પાસનો ઉપયોગ અન્ય કોઇપણ વ્યક્તિ કરી શકશે નહીં, આમ જણાયેથી સ્થળ પર જ પાસ જપ્ત કરી નિયમાનુસારનો દંડ વસુલવામાં આવશે.
૪. પાસ ખોવાઈ જાય,ખરાબ થાય, ધોવાય જાય કે ફાટી જાય, તેવા કિસ્સામાં અરજદારે નવેસરથી અરજી પ્રક્રિયા કર્યા બાદ જ અરજદારને નવો પાસ કાઢી આપવામાં આવશે.
૫. મુસાફરી દરમ્યાન સંસ્થાના ફરજ પરનાં અધિકારીશ્રી કે ચેકીંગ સ્ટાફ દ્વારા પાસ ચકાસણી માટે માંગવામાં આવે ત્યારે પાસ બતાવવાનો રહેશે. મુસાફરી સમયે જો દિવ્યાંગ પાસ નહિ હોય તો મુસાફરીનુ પૂરે પૂરું ભાડું દંડ સાથે વસુલવામાં આવશે.
૬. રાજકોટ શહેરમાં વસતા દિવ્યાંગો/સીનીયર સીટીઝનો ને જ ફ્રી બસપાસની સગવડ આપવામાં આવશે.
૭. દિવ્યાંગ પાસ મેળવવા માટે માન્ય સરકારી હોસ્પિટલના સિવિલ સર્જનનો અંધજનને ૧૦૦% તથા અપંગ અને બહેરા-મૂંગા દિવ્યાંગોને મીનીમમ ૪૦%નુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
૮. મુસાફરી દરમ્યાન અન્ય મુસાફરોને અડચણરૂપ થાય તેવું લગેજ લઈને બસમાં જઈ શકાશે નહીં. લગેજ સાથે હશે તો નિયમ મુજબ લગેજની ટીકીટ લેવાની રહેશે.
૯. અનિવાર્ય કે આકસ્મિક સંજોગોને લીધે બસ કેન્સલ થશે અથવા સમયમાં ફેરફાર થયે તે પરત્વે રૂટમાં ફેરબદલ કરવાનો અધિકાર રાજકોટ રાજપથ લિ.નો રહેશે.
૧૦.રાજકોટ રાજપથ લિ. દ્વારા પાસના નિયમમાં વખતોવખત કરવામાં આવતા ફેરફાર પાસ ધારકને બંધનકર્તા રહેશે.
૧૧. અરજીપત્રક રજુ કર્યાના ૩૦ દિવસ બાદ અરજદારે તેમનો પાસ ત્રિકોણ બાગ કંટ્રોલ રૂમ ખાતેથી ઓરિજનલ પહોંચ રજુ કરી (સમય સવારે ૧૦ થી સાંજે ૬ દરમ્યાન) મેળવી લેવાનો રહેશે.