મિલ્કતો સીલીંગ જેટ ઝડપે ખોલવાની મંજૂરી ગોકળ ગાયની ગતિએ : હજારો વેપારીના ધંધા ઠપ્પ જેવી હાલતમાં : મુખ્યમંત્રીને વાસ્તવિકતા પહોંચાડવા અવાજ ઉઠાવ્યો
કોર્પો.ના જન્મ પહેલાની બજારો, દુકાનો, જ્ઞાતિની વાડીઓમાં એકાએક નિયમના અમલ કઇ રીતે શકય બનશે? નેહલ શુકલ, પાંભર, ઘવા, કાટોડીયા, રાણા સહિતના કોર્પોરેટરે અવાજ ઉઠાવ્યો
રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં 50 દિવસ પહેલા લાગેલી આગની ભયાનક ઘટનાના પડઘા હજુ શમતા નથી ત્યારે દોઢ મહિનાથી પૂરા મહાનગરમાં ફાયર અને ટીપી એકટના નામે ચાલતી મિલ્કતોની સીલીંગ ઝુંબેશ સામેનો વિરોધ પણ ભડકા જેવો થતો જાય છે. મુખ્યમંત્રી સહિત સરકાર સુધી સતત રજુઆતો વચ્ચે રાજકોટની મોટી વેપારી આલમ આ સીલીંગ ઝુંબેશથી ત્રાહિમામ પોકારી ગઇ હોય. આજે ચૂંટણી આચારસંહિતા બાદની રાબેતા મુજબની સ્ટે. કમીટીની પ્રથમ બેઠકમાં આ રોષનો પડઘો પડયો છે. સમિતિની બેઠક પૂર્વે મળેલી ભાજપ સંકલનની બેઠકમાં અડધો ડઝનથી વધુ નગર સેવકોએ વેપારી વર્ગ સહિતના લોકોનો રોષ પહોંચાડયો હતો. જો આકરા ફાયર એકટ હેઠળ પૂરા શહેરમાં કાર્યવાહી કરવામાં આવે તો આખા રાજકોટની મિલ્કતો સીલ કરી દેવી પડે તેવી નારાજગી પણ વ્યકત થઇ છે. ફાયર સલામતી અને બાંધકામ નિયમોના અમલ માટે થતી કામગીરી સામે કોઇએ વાંધો લીધો નથી. પરંતુ ફાયર એનઓસી આપવા અને સીલ ખોલવાની અરજીઓનો નિકાલ મંદગતિએ કરવા સામેનો અવાજ ભાજપ સંકલનમાં ચોકકસ ઉઠયો છે. આજની સંકલન બેઠકમાં જુના રાજકોટમાં જયાં ફાયર સેફટી અને બીયુના સૌથી મોટા પ્રશ્ન છે અને મહાપાલિકાનો જન્મ થયો તે પૂર્વેની બજાર છે એ વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલ શુકલ, વોર્ડ નં.8ના અશ્વિન પાંભર, વોર્ડ નં.17ના વિનુભાઇ ઘવા, વોર્ડ નં.9ના જીતુ કાટોડીયા, વોર્ડ નં.18ના સંજયસિંહ રાણા સહિતના કોર્પોરેટરોએ પૂરા રાજકોટની વેપારી આલમને કનડતા સીલીંગના મામલાને ઉઠાવ્યો હતો. આગ જેવી દુર્ઘટના સામે સલામતીની વ્યવસ્થા જરૂરી છે. પરંતુ નવા ફાયર એકટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તો રાજકોટની મોટા ભાગની મિલ્કત સીલ થઇ જાય તેવી હાલત છે. આથી વાસ્તવિક અને વ્યવહારિક સંજોગો જરૂર પડયે મુખ્યમંત્રી અને સરકારને પણ સમજાવવા સૂચન થયું હતું. આજે ભાજપના કોર્પોરેટરો વેપારી આલમની પડખે ઉભા રહ્યા હતા. નગરસેવકોએ જણાવ્યું હતું કે સીલીંગ કામગીરી રોજિંદી બની ગઇ છે. હજારો વેપારીઓના ધંધા ઠપ્પ થયા છે. નિયમ મુજબ સીલ કઇ રીતે ખોલી શકાય અને એનઓસી ઝડપથી મેળવી શકાય તે દિશામાં કોઇ ઝડપી કામગીરી કરવામાં આવતી નથી. વેપારીઓ હેરાન થઇ રહ્યા છે. એક વખત વેપારીઓની જવાબદારીએ સોગંદનામુ લેવામાં આવે છે તો સીલ ખોલવામાં કેમ સહકાર આપવામાં આવતો નથી. આ કામગીરીમાં ઢીલ રાખતા અને સંપૂર્ણ સત્તા ધરાવતા અધિકારીઓને થાબડભાણા કરવાનું બંધ કરીને તેમને પ્રજાના પ્રતિનિધિની વાત સમજવાનો આગ્રહ પણ કરવો જોઇએ. ત્રણ ડે.કમિશ્નર સહિતની કમીટી બધી સત્તા ધરાવે છે પરંતુ ટીપી, ફાયર સહિતના વિભાગના અધિકારીઓ કોઇની વાત માનતા નથી. સીલ બાદની કાર્યવાહીમાં જવાબદારીની ફેંકાફેંકી કરવામાં આવે છે. રાજકોટમાં નાના વેપારીઓના ધંધા બંધ જેવી અને ભય જેવી હાલતમાં હોવાનું ઉમેરતા પણ કોર્પોરેટરોએ કહ્યું હતું કે આ સ્થિતિ અને સાચી હાલત સરકારના ધ્યાનમાં મૂકવી જોઇએ. નાના ધંધાર્થીની દુકાન સીલ થયા બાદ દોઢ-દોઢ મહિના સુધી ન ખુલે તો ઘર ચલાવવાનો પ્રશ્ન પણ આવે છે. આ મામલે અધિકારીઓ સંકલનમાં રહે તે જરૂરી છે. ટીપી અને ફાયર એકટની જોગવાઇઓ જ સંકલિત નથી. અમદાવાદ જેવા શહેરમાં પણ આવા પ્રશ્નો છે. મનપામાં પેન્ડીંગ અરજીનો ઢગલો થયો છે. આ હાલતમાં વેપારીઓ ચિંતાતુર છે.