લિટલ લોર્ડ્સ બાદ લિટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલમાં જોવા મળ્યા મોતના માંચડા
અમીન માર્ગ પર આવેલી લિટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલમાં લોખંડ-પતરાંનો શેડ : વીજપોલમાંથી જીવતા વાયરો લટકતા આવે છે પ્રિ-સ્કૂલમાં
રાજકોટ અગ્નિકાંડ બાદ નઘરોળ તંત્ર આળસ મરડી જાગ્યું હતું પરંતુ ફાયર એનઓસી, બીયુ સર્ટિફિકેટ અને ગેરકાયદે બાંધકામ મામલે સીલ-સોગંદનામાનું નાટક કરી ફરી ઘોર નિંદ્રામાં ચાલ્યું ગયું છે. ભારત હેડલાઈન અખબારે આ મામલે રિયાલિટી ચેક કરતા તંત્ર ફરી એકવાર ઉંઘતુ ઝડપાયું છે. આટઆટલું થયા છતા રાજકોટ તંત્રની હજુ પણ ઘોર બેદરકારી સામે આવી રહી છે. તંત્રની આ બેદરકારી મોટી જાનહાનિ સર્જી શકે છે. શહેરના અમીન માર્ગ પર આવેલી લિટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલમાં મોટી જાનહાનિ થતી અટકાવવા તંત્રએ તટસ્થ ચેકીંગ કરવું આવશ્યક બન્યું છે.
રાજકોટના કોટેચા ચોક પાસે લિટલ લોર્ડ્સ પ્રિ-સ્કૂલ આખી જ લોખંડ અને પતરાંના શેડ પર ઊભી છે, આ સિવાય અમીન માર્ગ પર આવેલી લિટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલમાં પણ પતરાંનો શેડ ઉભો કરાયો છે, બહાર આવેલા વીજપોલમાંથી જીવતા વાયરો પ્રિ-સ્કૂલમાં લટકતા આવે છે અને પ્રિ-સ્કૂલની બહાર તથા અંદર પણ લાકડાનો ભરપૂર ઉપયોગ કરાયો છે જેમાં આગનું નાનું અમથું એક તણખલું પણ પડે તો વિકરાળ આગ લાગી મોટી તબાહી સર્જી શકે તેમ છે. એન્ટ્રી અને એક્ઝિટ ગેઈટ પણ અલગઅલગ રાખવામાં આવ્યા નથી.
લિટલ લોર્ડ્સ ઉપરાંત લિટલ મિલેનિયમ જેવી પ્રિ-સ્કૂલમાં તંત્રની બેદરકારીથી હજુ પણ નાના ભૂલકાંઓ ઉપર મોત મંડરાઈ રહ્યું છે. લાખોની ફી ભરી દરરોજ પોતાના બાળકોને પ્રિ-સ્કૂલ મૂકવા-તેડવા જતા વાલીઓનું પણ આ બાબતે ધ્યાન ન પડી પેટનું પાણી હલતું નથી એ મોટી બાબત છે. ઉલ્લેખનીય છે કે, શહેરની મોટાભાગની પ્રિ-સ્કૂલ કોઈ જ પ્રકારના રજીસ્ટ્રેશન વિના ચાલી રહી છે. રેસિડેન્સીયલ જગ્યામાં કોમર્શિયલ એક્ટિવિટી કરતા પ્રિ-સ્કૂલ સંચાલક તગડી ફી વસૂલે છે પરંતુ બદલામાં સેફટીના નામે શૂન્ય હોય છે ત્યારે પ્રિ-સ્કૂલ સંચાલકોએ પણ થોડા ગંભીર બની ભૂલકાંઓની સુરક્ષા-સલામતી અંગે વિચારવું જોઈએ.