યુનિ. ભરતીમાં હવે દિવ્યાંગ ઉમેદવારોને 4% અનામતનો મળશે લાભ : 12 અધ્યાપકોનો પ્રોબેશન પીરીયડ છ માસ લંબાવાયો : આરોગ્ય કેન્દ્રના વીઝીટીંગ ડોકટર્સના વેતનમાં કરાયો વધારો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે ડો. કમલ ડોડીયાએ ચાર્જ સંભાળ્યા બાદ તેમના અધ્યક્ષ સ્થાને યુનિ.ની એકઝીકયુટીવ કાઉન્સિલની મળેલી પ્રથમ બેઠકમાં યુનિ.ની ભરતીમાં હવે દિવ્યાંગ ઉમેદવારો માટે 4% અનામતનો લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ હતો. તેની સાથોસાથ પૂર્વ કાર્યકારી કુલપતિ ડો.ગિરીશ ભીમાણીના કાર્યકાળ દરમ્યાન 12 જેટલા મદદનીશ અધ્યાપકોની વિવિધ ભવનો માટે ભરતી કરવામાં આવી હતી. જેનો પ્રોબેશન પીરીયડ વધુ છ માસ લંબાવવાનો પણ નિર્ણય લેવામાં આવેલ હતો અને આ મામલે ખાસ કમીટીની પણ રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત યુનિ.માં કોમ્પ્યુટર સોફટવેર સબંધીત કામગીરી સંભાળતા આઉટ સોર્સીસ એન્જીનીયર્સના વેતનમાં વિસંગતતા રહેલી હોય આ વિસંગતતાને નિવારવા માટે યુનિ.ના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ભલામણ કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. આ ઉપરાંત યુનિ.ના આરોગ્ય કેન્દ્રમાં વિઝીટર ડોકટર્સ તરીકે સેવા આપતા તબીબોના વેતન વધારા અંગે પણ આજની આ એકઝીકયુટીવ કાઉન્સીલની મીટીંગમાં મુકાયેલ દરખાસ્તને માન્ય રાખી આ વિઝીટર્સ ડોકટરને પ્રતિમાસનું વેતન વધારીને રૂા.5000 કરવા સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો પણ યુનિ.ની આ એકઝીકયુટીવ કાઉન્સીલમાં લેવામાં આવેલ હતો તેમ જાણવાં મળેલ છે.