વૃદ્ધાના પુત્ર ટેકો કરીને તેની માતાને ઇમરજન્સી વોર્ડમાંથી ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા, લાખોના ખર્ચે વસાવેલી સુવિધાનો શું અર્થ?: મનમાની કરતા જવાબદાર ડોકટર-નર્સિંગ સ્ટાફ સામે જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી સ્થિતિ નહીં સુધરે : નવા સુપ્રિન્ટેનડન્ટ દાખલો બેસાડે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રહેલી સુવિધા કોના માટે? તે સવાલ એક ઘટનાથી ઉઠી રહ્યો છે. અહીં સારવાર માટે આવેલા એક વૃધ્ધાને વ્હીલ ચેર કે સ્ટ્રેચર આપવાની સ્ટાફે ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી. વૃદ્ધાના પુત્ર ટેકો કરીને તેની માતાને ઇમરજન્સી વોર્ડમાંથી ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા હતા. ત્યારે લાખોના ખર્ચે વસાવેલી સુવિધાનો શું અર્થ? તે પ્રશ્ન ઉઠે છે. મનમાની કરતા જવાબદાર ડોકટર-નર્સિંગ સ્ટાફ સામે જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી સ્થિતિ નહીં સુધરે. તે નક્કી છે ત્યારે નવા સુપ્રિન્ટેનડન્ટ દાખલો બેસાડે તે જરૂરી બની ગયું છે. રાજકોટના રેલનગરમાં રહેતાં વૃદ્ધ હસુમતીબેન હસમુખભાઈ (ઉં.વ.75)ને પગમાં દુ:ખાવો ઉપડ્યો હતો. તે બરાબર ચાલી શકતા નહોતા. તેમના પુત્ર તેમને વાહનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. અહીંના ઇમરજન્સી વિભાગમાં કેસ કઢાવ્યો અને ડોક્ટરને બતાવ્યું. ડોકટરે બીજા વિભાગમાં જઈ એક્સ-રે કરી આવવા સલાહ આપી હતી. પુત્રએ પોતાના માતા ચાલવામાં તકલીફ થતી હોવાથી સ્ટ્રેચર કે, વ્હીલ ચેરની માંગણી કરી હતી. ફરજ પર હાજર તબીબી સ્પષ્ટ ના પાડી દીધી હતી. દર્દીની ગંભીર પરિસ્થિતિ હોય તો જ દર્દીને સ્ટ્રેચર કે વ્હીલ ચેર મળે તેવો જવાબ આપ્યો હતો. ત્યારે તેમના પુત્રએ વિનંતી કરી છતાં તબીબ ન માન્યા. ઈમરજન્સી વોર્ડથી ટ્રોમા સેન્ટરના એક્સ-રે રૂમ સુધી વોર્ડ સુધી ચાલવા વૃદ્ધ લાચાર બન્યાં હતાં. પુત્ર ટેકો કરી પોતાના માતાને એક્સ-રે માટે લઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં આ તેના માટે ખૂબ ન કડવો અનુભવ રહ્યો છે. લાખોના ખર્ચે સરકારે સાધનો આપ્યા છે. પણ મનમાની કરતા સ્ટાફના કારણે દર્દી સુવિધા ભોગવી શકતો નથી. જે શરમજનક છે. હાલમાં જ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટન્ટેન બદલ્યા છે. જેથી સ્થિતિ બદલાશે તેવી સૌ કોઈને આશા છે. આવા કિસ્સા હવે ન બને તે માટે નવા સુપ્રિન્ટેનડન્ટ કડક પગલાં લ્યે તે જરૂરી બન્યું છે.