પીડીયુ સિવિલ હોસ્પિટલના ઝનાના હોસ્પિટલ બિલ્ડીંગમાં આ ટ્રોલી ન હોવાથી નવજાતને ઓપરેશન માટે પીએમએસએસવાયમાં લઇ જવું પડતું હતું : ડો. મોનાલી માકડીયાએ મોરબીથી તત્કાળ ટ્રોલી મંગાવી દીધી
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં તબિબી અધિક્ષક તરીકે ડો. મોનાલી માકડીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ અલગ અલગ વિભાગમાં ખુટતી સુવિધાઓ ઉપલબ્ધ થવા માંડી છે. ઝનાના વિભાગમાં બાળકોના સર્જરી વિભાગમાં કેટલાક મહિનાથી એનેસ્થેસિયા ટ્રોલી ન હોવાથી બાળકોની સર્જરી વખતે ફરજીયાત બાળકને સિવિલ હોસ્પિટલના પીએમએસએસવાય બિલ્ડીંગમાં લઇને આવવું પડતું હતું. આ બાબતની જાણ ડો. મોનાલી માકડીયાને થતાં તેમણે તુરત ગંભીરતા દાખવી ટ્રોલીની વ્યવસ્થા કરાવી આપી હતી. બાળકોના વિભાગમાં સર્જરી માટે એનેસ્થેસિયા ટ્રોલી ન હોવાથી સિવિલમાં સુપર સ્પેશ્યાલિટી બિલ્ડિંગમાં જે તે બાળ દર્દીનું ઓપરેશન કરી ફરી ત્યાંથી એમસીએચ બિલ્ડીંગમાં લઇ જવું પડતું હતું, આ વખતે ઇન્ફેક્શન સહિતની બાબતે ખુબ ધ્યાન રાખવું પડતું હતું. પીડિયાટ્રિક વિભાગ દ્વારા નવ નિયુક્ત તબિબી અધિક્ષક ડો.મોનાલી માકડીયાને જાણ કરવામાં આવતાં તેમણે તુરત જ તપાસ કરાવી હતી અને એનેસ્થેસિયા ટ્રોલી મોરબી મેડિકલ કોલેજમાંથી મગાવવાની હોવાથી તેમણે તાકીદે ત્યાંના અધિક્ષક સાથે વાત કરી હતી અને ટ્રોલીની તત્કાળ વ્યવસ્થા કરાવી દીધી હતી. એનેસ્થેસિયા ટ્રોલી ઝનાના હોસ્પિટલમાં આવી જતા હવે બાળકોની સર્જરી ત્યાં જ પીડિયાટ્રિક ઓપરેશન થિયેટરમાં કરવામાં આવશે. ગાયનેક વિભાગ પણ ત્યાં હોવાથી પ્રસુતિ બાદ નવજાતને કોઈ તકલીફ ઉભી થાય અને સર્જરીની જરૂર પડે તો ઇમર્જન્સી સારવાર મળી રહેશે. ટ્રોલીની ઇન્સ્ટોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે થોડા દિવસમાં જ કાર્યરત થઇ જશે. બાળકોના વિભાગમાં આ સુવિધા ઉભી થતાં ત્યાંના અધિકારીએ તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાનો આભાર માન્યો હતો.