સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ રાજકોટ દ્વારા શહેરના આંગણે અષાઢી બીજના પાવન દિવસે વિશ્વ વંદનીય સંતશ્રી વેલનાથબાપુની સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને જાજરમાન 25 મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદભુત શોભાયાત્રામાં સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો, સામાજીક શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિ, બિલ્ડરો, શિક્ષકો, વિવિધ સરકારી કર્મચારીઓ, કોળી સમાજના ચાલતા વિવિધ મંડળો, ગ્રુપો, સંસ્થાઓના આગેવાનો, ધુન મંડળો, મહિલા મંડળો અનેક લોકો જોડાયેલા હતા. જય વેલનાથ જય જગન્નાથના ચારેય બાજુ નારા ગુંજી ઉઠયા હતા. આ દિવ્ય શોભાયાત્રાનું ચોકે ચોકે અન્ય સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના તમામ વિસ્તારમાંથી, રાજકોટ તાલુકાના ગામેગામથી આકર્ષણ ફલોટ શણગારીને આ શોભાયાત્રા આકર્ષણ બની હતી અને અન્ય વાહનોમાં બેટી બચાવો, રકતદાન મહાદાન, વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો, શિક્ષણ જાગૃતિ અભ્યાન, ચક્ષુદાન આવા સ્લોગનો વાળા બેનરો લગાવવામાં આવેલ હતા.