લાયબ્રેરી બાદ હવે શહેરી પરિવહનમાં પણ સીનીયર સિટીઝનને મફત સેવાનો મળશે લાભ
60 વર્ષ ઉપરના નાગરિકો અને દિવ્યાંગો હવે શહેરમાં બસ સેવા ફ્રી મેળવી શકશે
થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તોને પણ લાભ : સીવીક સેન્ટર, તમામ વોર્ડ ઓફિસે અરજી કરી શકાશે : એક મહિનામાં પાસ થશે ઇસ્યુ : વ્યવસ્થા જાહેર કરતા ચેરમેન જયમીન ઠાકર
રાજકોટમાં પણ અમદાવાદની જેમ આજથી સીટી બસ અને બીઆરટીએસ બસ સેવામાં 60 વર્ષ ઉપરના સીનીયર સીટીઝનોને ફ્રી મુસાફરી પાસની યોજનાનો આજથી મહાપાલિકાએ પ્રારંભ કરી દીધાનું સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે જાહેર કર્યુ છે. લાયબ્રેરીની જેમ જ વરિષ્ઠો અને સરકાર માન્ય દિવ્યાંગોની 21 કેટેગરીના લોકોને આ ફ્રી બસ સેવાનો લાભ મળશે. આજથી ફોર્મ વિતરણ શરૂ થતા અરજી રજુ કર્યાના 30 દિવસ બાદ આ પાસ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2024-25 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને જયમીનભાઈ ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની યોજનાઓ અંગે મીટીંગ કરાઇ હતી જેમાં લોકઉપયોગી અને સાથે આશિર્વાદ જેવી યોજનાની અમલવારી શરૂ કરાઇ છે. વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન), દિવ્યાંગો થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્ત નાગરીકોને સીટી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસ અંતર્ગત ફ્રી મુસાફરી યોજનાની અમલવારી માટે વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન), દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીક મુસાફરોને શહેરી બસ સર્વિસ અંતગર્ત મફત મુસાફરી કરવા જરૂરી નિયમાનુસારની પ્રક્રિયા પુર્ણ કરવામા આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા ફ્રી મુસાફરી પાસ માટેના અરજીપત્રક આજરોજ સોમવારથી જ મનપાના તમામ સિવિક સેન્ટર તેમજ વોર્ડ ઓફિસેથી મળી શકશે. જરૂરી આધાર પુરાવા સાથે સંપૂર્ણ વિગતો ભરેલું કેટેગરીવાઇઝ ફોર્મ, સવારે 10.30 થી બપોરે 3.30 (2 થી 2.30 રિસેષ) સુધીમાં (1)સિટી સિવિક સેન્ટર, સેન્ટ્રલ ઝોન; (2)સિટી સિવિક સેન્ટર, ઇસ્ટ ઝોન; (3)સિટી સિવિક સેન્ટર, વેસ્ટ ઝોન; (4)સિટી સિવિક સેન્ટર, અમીનમાર્ગ; (5)સિટી સિવિક સેન્ટર, કૃષ્ણનગર; (6)સિટી સિવિક સેન્ટર, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારીયા રોડ, ઉપરાંત તમામ વોર્ડ ઓફિસે સ્વીકારવામાં આવશે. થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીક, તેમજ દિવ્યાંગોની 21 કેટેગરીમાં સમાવિષ્ટ મુસાફરોએ બસમાં ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ(એક ફોટો ફોર્મમાં ચોંટાડવો અને એક ફોટો સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ (પાન કાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ), એડ્રેસ પ્રૂફની નકલ (રેશન કાર્ડ/ગેસ કનેક્શન બીલ/ ઇલેકટ્રીસીટી બીલ) તેમજ દિવ્યાંગો માટે સિવિલ સર્જનનો દાખલો સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ(એક ફોર્મમાં ચોંટાડવો અને એક સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ(પાનકાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ) એડ્રેસ પ્રૂફની નકલ(રેશન કાર્ડ/ ગેસ કનેક્શન બીલ/ઇલેકટ્રીક બીલ) સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા થકી પર્યાવરણને ફાયદો થાય તે હેતુથી જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન મળી રહે તેવી આ ‘ફ્રિ મુસાફરી’ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે સ્ટે.કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરે અપિલ કરી છે.