ગરીબ ધંધાર્થીઓ માટે વૈકલ્પિક જગ્યા વિચારો : અર્થ શાસ્ત્રીઓ પણ આજી ડેમ પાસેની બજાર પર અભ્યાસ કરી ચૂકયા છે : કોર્પો.ની કામગીરી પર તૂટી પડતા મેવાણી, રાજાણી, સાગઠીયા, રાજપૂત
રાજકોટમાં લારી ગલ્લા પાથરણાના ન્યાય ના પ્રશ્ર્ને ન્યાય અપાવવા વડગામના કોગ્રેસ ના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ડો. મહેશ રાજપૂત, કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમા ત્રિકોણબાગ થી કોર્પોરેશન કચેરી સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. બાદમાં મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પ્રદેશ સમિતિના માર્ગદર્શન હેઠળ રેલી સાથે આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે રાજકોટમાં આજી ડેમ ચોકડીએ દાયકાઓથી રવિવારી બજાર ભરાય છે. આ બજાર ઉપર આઇઆઇએમ, અર્થશાસ્ત્રીઓ અર્થતંત્ર સહિતના અભ્યાસ કર્યા છે. ઇકોનોમીમાં રોલ અંગે સંસદમાં પણ ચર્ચા થઇ છે. લારી-ગલ્લાવાળાને ધંધા રોજગાર માટે અનુકુળતા ઉભી કરવા તરફેણ કરાઇ છે. પરંતુ આ જગ્યાએ રવિવારી બજાર ખાલી કરવા ઘણા દિવસોથી નોટીસ અપાઇ રહી છે. જગ્યા ખાલી ન કરે તો લારીવાળાને લેન્ડ ગ્રેબિંગ કાર્યવાહીની ચેતવણી અપાઇ છે. કોર્પો. તંત્ર કેટલું સક્ષમ છે તે ટીઆરપી ગેમ ઝોનમાં સૌએ જોઇ લીધુ છે. બીયુ અને એનઓસી વગરના અનેક બિલ્ડીંગ છે ત્યારે રવિવારી બજારમાંથી પાથરણાવાળાને દુર કરવાની ધમકી તંત્ર કેટલુ નમાલુ છે તે દેખાડે છે એવું જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું. પૂરા રાજકોટમાં સ્ટ્રીટ વેન્ડર એકટ લાગુ કરવામાં આવે, રવિવારી બજાર યથાવત રાખવામાં આવે, ચોમાસા બાદ તેઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. કોર્પો.ના પ્રાંગણમાં ધંધાર્થીઓએ તાનાશાહી સામે હાય હાયના સુત્રો પોકાર્યા હતા.રાજ્યની ભાજપ સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ભાજપ ના બીન અનુભવી અને વહીવટી સુજબુજ વગરના સતાના મદમાં રાચતા શાસકોને ગરીબ અને સામાન્ય માણસની લેશમાત્ર દરકાર નથી મોંઘવારીના આ કપરાકાળમા રોજના રહી રોજ નુ કરતા સામાન્ય લારી ગલ્લા અને પાથરણા વાળા ને સતત મ્યુનિસિપલ તંત્ર દ્વારા હેરાન-પરેશાન કરવામા આવી રહ્યા છે. અમુક ભાજપ ના આગેવાનો દ્વારા ચોક્કસ રોડ જેમ કે યુની રોડ ભગતસિંહ ગાર્ડન, રૈયા રોડ, જંક્શન પ્લોટ, ગાંધીગ્રામ, મોરબી રોડ પેડક રોડ જેવા અનેક વિસ્તારો માંથી લારીગલ્લા અને પાથરણા વાળા પાસેથી તંત્ર સાથે મીલીભગત થી હપ્તા વસૂલાઈ રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસે ગરીબોનો અવાજ બની બેરોજગારી હપ્તા ખોરી અને તંત્રની તાનાશાહીનો માર સહન કરતા ગરીબોને ન્યાય અપાવવા વૈકલ્પિક જગ્યાએ ધંધા રોજગાર ની છુટ આપવા અને બંધારણીય અધિકારો જાળવવા કમિશ્નર સમક્ષ માંગણી કરી છે. આ રજૂઆતમાં નરેશભાઈ સાગઠીયા સુરેશભાઈ બથવાર મેઘજીભાઈ રાઠોડ રોહીત રાજપુત હાર્દિક રાજપુત મયુરસિંહ પરમાર સંજયભાઈ લાખાણી ઘનશ્યામસિંહ જાડેજા જસવંતસિંહ ભટ્ટી એડવોકેટ અશોકસિંહ વાઘેલા જયંતિભાઈ બુટાણી દિપેન ભગદેવ સહીત રાજકોટ શહેરમાં ધંધો-રોજગાર કરતા ફેરીયાઓ વિશાળ સંખ્યામા કોંગ્રેસની ન્યાયની લડાઈમાં જોડાયા હતા.