સસ્પેન્ડ થયેલા દેવુબેન જાદવની જગ્યાએ કાયદા સમિતિમાં કંકુબેન ઉધરેજા : નાદુરસ્ત દેથરીયાની જગ્યાએ પરેશભાઇ પીપળીયાની નિમણુંક થવાની શકયતા
રાજકોટ મહાપાલિકાની સામાન્ય સભા આગામી તા. 18ના ગુરૂવારે મળવાની છે. ચૂંટણી આચારસંહિતા બાદ કામકાજ થઇ શકે તેવું આ પહેલુ બોર્ડ છે. તેમાં શાસક પક્ષની પેટા સમિતિઓના બે ચેરમેનોમાં ફેરફાર કરવાની તૈયારી પાર્ટીએ કરી છે. સસ્પેન્ડ થયેલા કાયદા સમિતિના ચેરમેન દેવુબેન જાદવની જગ્યાએ વોર્ડ નં.4ના કોર્પોરેટર કંકુબેન કાનાભાઇ ઉધરેજાની નિયુકિત કરાશે. તો બાંધકામ સમિતિમાં પણ ચેરમેન બદલાઇ તેવી શકયતા છે. ચૂંટણી જાહેર થઇ તે પૂર્વે મનપાની આવાસ યોજનામાં બે મહિલા કોર્પોરેટરે ગેરલાભ લીધાનું બહાર આવતા ભાજપે કાયદા સમિતિના ચેરમેન વોર્ડ નં.6ના દેવુબેન જાદવ અને વોર્ડ નં. પના કોર્પોરેટર વજીબેન ગોલતરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ બાદ ચૂંટણી આચારસંહિતા આવી જતા બોર્ડ મોકુફ રહેતા હતા. હવે કાયદા સમિતિનું ચેરમેન પદ ખાલી છે. આથી દેવુબેનની જગ્યાએ વોર્ડ નં.4ના કોર્પોરેટર કંકુબેન કાનાભાઇ ઉધરેજાની કાયદો અને નિયમન સમિતિમાં નિમણુંક કરાશે તેવું પક્ષના સુત્રો કહે છે. આ જ રીતે વોર્ડ નં. 6ના કોર્પોરેટર ભાવેશભાઇ દેથરીયાની તબિયત નાદુરસ્ત બની છે. આથી તેમની જગ્યાએ આ જ વોર્ડના પરેશભાઇ રમેશભાઇ પીપળીયા (પી.પી.)ની બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નિમણુંક થઇ શકે છે. જોકે અંતિમ નિર્ણય આગામી સપ્તાહે લેવાશે તેવું પક્ષના સત્તાવાર સુત્રોએ કહ્યું હતું. દરમ્યાન ગુરૂવારના જનરલ બોર્ડ અગાઉ પાર્ટી આ ફેરફાર માટે સંકલનમાં નિર્ણય કરશે. પરંતુ હાલ તો બે સમિતિના ચરેમેન બદલાશે તેવું લાગી રહ્યું છે. બોર્ડના દિવસે અધ્યક્ષ સ્થાનેથી નવા બે ચેરમેનોની નિમણુંક માટેની દરખાસ્ત આવે તેવી શકયતા પણ છે.