શાખામાં મૂકાયેલા અનેક અધિકારી નિવૃત્તિના આરે : નવું જોખમ લેવા કોઇ તૈયાર થતું નથી
ડિમોલીશનની નોટીસ જેવા જવાબદારીભર્યા કામ બંધ : ધરમૂળથી ફેરફાર બાદ નવી સિસ્ટમ એકટીવ થતી નથી : ગેરકાયદે બાંધકામો વધુ ધમધમવા લાગ્યા
ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ, તપાસ અને મનપાના અધિકારીઓની ધરપકડ, એસીબીના દરોડા સહિતની કામગીરી વચ્ચે છેલ્લા દોઢ માસથી રાજકોટ મહાપાલિકામાં સોંપો પડી ગયો હોય તેવું વાતાવરણ સર્જાઇ ગયું છે. ટીપી શાખાનો ભ્રષ્ટાચાર રાજય સરકારથી માંડી હાઇકોર્ટ સુધી ગાજયો છે ત્યારે કોર્પોરેશનમાં ટીપી સહિતની શાખાઓમાં નવી કામગીરી સ્થગિત જેવી હાલતમાં લાગે છે. ખાસ કરીને ટીપી શાખાના તમામ સ્ટાફને કમિશ્નરે બદલી આ વિભાગ હેઠળની નોટીસથી માંડી ડિમોલીશન સહિતની કામગીરી પ્રોજેકટસની જવાબદારી સંભાળતા સીટી ઇજનેર, જે તે ઝોનના વહીવટી વડા ડે.કમિશ્નર હેઠળ મુકી દેવાતા નવી સિસ્ટમમાં કઇ રીતે કામ શરૂ કરવું તેની ઉંડી ગડમથલમાં પુરૂ તંત્ર હોય તેવું લાગી રહ્યું છે. વર્ષોથી ફરજ બજાવતો ટીપી સ્ટાફ હવે અન્ય શાખામાં તબદીલ થઇ ગયો છે. વર્ષોથી આ શાખામાં કામ નહીં કરનારા ઇજનેરોને ગેરકાયદે બાંધકામ રોકવાથી માંડી હટાવવાની જવાબદારી અપાઇ છે.
પરંતુ જુના ગેરકાયદે બાંધકામોનો રાફડો એટલો મોટો છે કે તેની જવાબદારી નવા અધિકારી લેતા ડરે છે. નવી નોટીસ આપવાનું ધીમે ધીમે શરૂ કર્યુ છે. પરંતુ એ બાદની કાર્યવાહી કેવી રીતે અને કયારે કરવી તે કોઇને સમજાતું નથી. અમુક નવા અધિકારી તો અન્ય શાખામાંથી ટીપીમાં નાછૂટકે આવ્યા છે. કેટલાક દોઢ-બે વર્ષમાં નિવૃત્ત થાય છે. આથી તેઓ કેટલો રસ લેશે તે સવાલ છે. સરકારે ઇન્ચાર્જ તરીકે મૂકેલા નવા ટીપીઓ હેઠળ હવે ડિમોલીશનની નોટીસ, મનાઇ હુકમ જેવી કોઇ કામગીરી થતી નથી. એટીપી હવે સીટી ઇજનેરને રીપોર્ટીંગ કરતા હોવાનું કહે છે. ટાઉન પ્લાનીંગ અધિકારી ટીપી સ્કીમની વહીવટી કામગીરી માટે હોય તેવું લાગે છે.
કારણ કે સીટી ઇજનેરો ઉપર ડે.કમિશ્નર અને તે બાદ સીધા કમિશ્નર છે. આ તમામ નવી વ્યવસ્થા અને ગડમથલ વચ્ચે ટીપી શાખાની રોજિંદી કામગીરી પણ સ્થગિત જેવી હાલતમાં છે. બીજી તરફ આવા સંજોગોનો લાભ લઇને અમુક વોર્ડમાં ચાલતા ગેરકાયદે બાંધકામોમાં મોટી સ્પીડ આવી ગઇ છે. શહેરના પોશ એરીયા અને રાજમાર્ગો પર તો ખુલ્લેઆમ બાંધકામ ધમધમવા લાગ્યા છે. અધિકારીઓ પાસે આવતી ફરિયાદ અંગે કોનું માર્ગદર્શન લેવું તે કોઇને સમજાતું નથી. કારણ કે નવા સેટઅપ બાદ કડક કાર્યવાહી માટે પણ હજુ છુટ મળી નથી. નિયમ મુજબ જુની નોટીસ પર કાર્યવાહી થાય તો અનેક નાના મોટા અને તોતીંગ કોમર્શિયલ બાંધકામો તોડવા પડે તેમ છે. આથી એક રીતે નવા અધિકારીઓ દબાણ હેઠળ આવી ગયા છે. ટીપી ઉપરાંત પણ જે જે શાખા ફિલ્ડમાં કડક કાર્યવાહી કરે છે તે અધિકારીઓની કેડરમાં ફફડાટનો માહોલ છે. ઘણા અધિકારી રાજીનામુ આપવા તૈયાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શાસક પાંખની સરખામણીએ વહીવટી પાંખ ઠંડી પડી ગયાનું ચિત્ર છે. આથી ગેરકાયદે બાંધકામ જેવી પ્રવૃતિ અટકાવશે કોણ તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. એકંદરે જુની સિસ્ટમ વેરવિખેર થઇ અને નવા અધિકારીઓ હજુ સેટ થતા નથી એવી હાલત છે.