સુનકે કહ્યું- મારી દીકરીઓ અહીં દીવા પ્રગટાવતી હતી ભારત હેડલાઇન, તા.૭ શુકવારે બ્રિટનમાં ચૂંટણીમાં હાર્યા બાદ ઋષિ સુનકે પીએમ આવાસ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની અથતા મૂર્તિ પણ હાજર હતી. અક્ષતાએ વાદળી અને લાલ પટ્ટીઓવાળો ડ્રેસ પહેર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત ૪૨ હજાર રૂપિયા હતી. આ ડ્રેસને કારણે અક્ષતા મૂર્તિને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે પોતાની પોસ્ટમાં કહ્યું, “અક્ષતાનો ડ્રેસ છે, જે ડિઝનીલેન્ડનો ફ્રી પાસ આપે છે. જો તમે લાંબા સમય સુધી અક્ષતાના ડ્રેસને જોશો તો એવું લાગે છે કે જાણે કોઈ વિમાન કેલિફોર્નિયા જઈ રહ્યું છે.” આ સિવાય અક્ષતાના હાથમાં છત્રી જોઈને લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી. ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ સુનકને વિદાય આપવા માટે એક વીડિયો પણ બહાર પાડયો હતો. તેમાં સુનક અને અક્ષતાની છેલ્લી ક્ષણો બતાવવામાં આવી છે. વીડિયોમાં સુનક તેના સ્ટાફને ગળે લગાવતો જોવા મળે છે. પીએમ તરીકેના તેમના છેલ્લા સંબોધનમાં સુનકે કહ્યું, “હું હાર માટે પાર્ટીની માફી માગુ છું. હું મારી પત્ની અને મારી બે પુત્રીઓનો પણ આભાર માનું છું. તેઓ દિવાળી પર ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પર દીવા પ્રગટાવતા હતા. બ્રિટન સૌથી શ્રેષ્ઠ દેશ છે અને તે દેશના લોકોના કારણે છે. કીર સ્ટારમરને તેમની જીત બદલ અભિનંદન. મને આશા છે કે તેમના નેતૃત્વમાં દેશનો વિકાસ થશે.”