ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 23 માર્ચ 2026ના રોજ ફેબ્રુઆરી2026 માટેના ‘પ્લેયર ઓફ ધ મંથ’ એવોર્ડની જાહેરાત કરી. મહિલા કેટેગરીમાં ટીમ ઈન્ડિયાની ખેલાડીએ મેદાન માર્યું.જ્યારે પુરુષ કેટેગરીમાં પાકિસ્તાની ખેલાડીએ આ એવોર્ડ જીત્યો છે. ભારતીય મહિલા ક્રિકેટર અરુંધતી રેડ્ડી આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતવામાં સફળ રહી.ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેમના શાનદાર પ્રદર્શનને કારણે તેમને આ સન્માન મળ્યું છે. રેડ્ડીએ પ્રથમ વખત ‘પ્લેયર ઓફ ધ મંથ’નો ખિતાબ પોતાના નામે કર્યો છે.
અરુંધતી રેડ્ડીનું ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન
અરુંધતી રેડ્ડીએ ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની T20 શ્રેણીમાં કુલ 8 વિકેટ ઝડપી હતી. આ શ્રેણીમાં તેમની બોલિંગ સરેરાશ 10.87 રહી હતી. અને તેમણે માત્ર 7.25ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.સિડનીમાં રમાયેલી મેચમાં તેમણે 22 રન આપીને 4 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. આ એવોર્ડ માટે અરુંધતીની સાથે શ્રીલંકાની હર્ષિતા સમરવિક્રમા અને પાકિસ્તાનની ફાતિમા સના પણ નોમિનેટ થઈ હતી. પરંતુ અરુંધતીએ આ બંનેને પાછળ છોડીને ફેબ્રુઆરી 2026નો એવોર્ડ જીતી લીધો છે.
એવોર્ડ જીત્યા બાદ રેડ્ડીએ શું કહ્યું?
ICC પ્લેયર ઓફ ધ મંથ પસંદ થયા બાદ અરુંધતી રેડ્ડીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, “ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ થવું એ મારા માટે ખરેખર ખૂબ જ મોટું સન્માન છે. ખાસ વાત એ છે કે, હું ઓસ્ટ્રેલિયામાં T20 શ્રેણી જીતવામાં મારી ટીમ માટે યોગદાન આપી શકી. ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરમાં હરાવવું ક્યારેય સરળ હોતું નથી. તેથી આ એવોર્ડ મારા માટે ખૂબ જ મહત્વનો છે. આ જીતથી અમારી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે અને અમે આગામી વુમન્સ T20 વર્લ્ડ કપમાં પણ આવું જ પ્રદર્શન કરવા ઈચ્છીશું.”
પુરુષ કેટેગરીમાં સાહિબઝાદા ફરહાનને મળ્યો એવોર્ડ
બીજી તરફ, પુરુષ કેટેગરીમાં આ એવોર્ડ પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાને જીત્યો છે. ફરહાન T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. આ જ કારણ છે કે, તેણે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિલ જેક્સ અને અમેરિકાના ફાસ્ટ બોલર શેડલી વેન શાલ્વિકને પાછળ છોડીને આ એવોર્ડ મેળવ્યો છે. જોકે ફરહાને આ વર્લ્ડ કપમાં વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેની ટીમ સેમીફાઈનલ સુધી પહોંચી શકી નહોતી.
Post Views: 0











