યુપીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષો હાલ પંચાયત ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ક્રમમાં મહિલા મતદારોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે મહિલા મતદારો માટે મોટી જાહેરાત કરી છે. અખિલેશ યાદવે જણાવ્યું છે કે, જો 2027માં તેમની સરકાર બનશે તો તેઓ મહિલાઓને વાર્ષિક 40 હજાર રૂપિયા પેન્શન આપશે. આ સાથે ‘નારી સમૃદ્ધિ સન્માન યોજના‘ પણ શરૂ કરવામાં આવશે.
વાર્ષિક 40 હજાર આપવાની જાહેરાત
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, જો તેમની પાર્ટી 2027માં ઉત્તર પ્રદેશમાં સત્તા પર આવશે તો પુનર્જીવિત ‘સમાજવાદી પાર્ટી પેન્શન યોજના’ હેઠળ વંચિત મહિલાઓને પ્રતિ વર્ષ 40,000 રૂપિયા મળશે. લખનઉ સ્થિત પાર્ટી ઓફિસમાં બોલતા તેમણે કહ્યું કે, મહિલાઓની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમને વધુ આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.તેમણે મહિલા કલ્યાણ અને સશક્તિકરણના હેતુથી અગાઉની યોજનાઓ ફરી શરૂ કરવા અને નવી યોજનાઓ લાવવાની વાત પણ કરી હતી.
મહિલા સશક્તિકરણ પર ભાર
અખિલેશ યાદવે કહ્યું કે મહિલાઓ સમાજનો અભિન્ન હિસ્સો છે અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે તેમની પ્રગતિ આવશ્યક છે. તેમણે ઉમેર્યું કે, તેમની પાર્ટી મહિલાઓને સન્માન અને સમર્થન આપવા માટે ‘રાણી લક્ષ્મીબાઈ‘ જેવી યોજનાઓ ફરી શરૂ કરવાનું આયોજન કરી રહી છે. સામાજિક અને આર્થિક સમાનતા સુનિશ્ચિત કરવા માટે અને ખાસ કરીને નબળા વર્ગની મહિલાઓ માટે નવા કાર્યક્રમો શરૂ કરવાની ખાતરી પણ આપી હતી. તેમના મતે, મહિલા સશક્તિકરણ રાજ્યના ભવિષ્યને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
કાયદો અને વ્યવસ્થા પર સાધ્યું નિશાન
અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ગુનાખોરી વધી રહી છે અને લોકો, ખાસ કરીને મહિલાઓ, અસુરક્ષિત અનુભવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકારી તંત્રનો રાજકીય ઉદ્દેશ્યો માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે, જ્યાં સુધી સરકાર નહીં બદલાય ત્યાં સુધી સ્થિતિમાં સુધારો થશે નહીં. તેમણે પોતાના દાવાઓના સમર્થનમાં તાજેતરની ગુનાહિત ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મમતા બેનર્જીની સરકાર બનશે
બુનિયાદી માળખાગત પ્રોજેક્ટ્સ, ખાસ કરીને લખનઉના ‘ગ્રીન કોરિડોર’ને લઈને પણ તેમણે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો કે, આ પ્રોજેક્ટમાં યોગ્ય આયોજનનો અભાવ છે અને પદયાત્રીઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. તેમના મતે, આટલી જ રકમનો ઉપયોગ પહોળા અને વધુ સારા રસ્તા બનાવવા માટે વધુ અસરકારક રીતે થઈ શક્યો હોત. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીઓ પર અખિલેશ યાદવે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મમતા બેનર્જી ફરી સત્તામાં આવશે. વિરોધીઓના પ્રયાસો છતાં જનતાનું સમર્થન તેમની તરફેણમાં મજબૂત હોવાનું તેમણે જણાવ્યું હતું.
Post Views: 0











