પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે નાટો (NATO) સભ્ય દેશો સુધી પહોંચી રહ્યો હોય તેમ જણાય છે. તુર્કીએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી છોડવામાં આવેલી બીજી બેલિસ્ટિક મિસાઈલને નાટોની એર ડિફેન્સ સિસ્ટમે દરિયામાં જ તોડી પાડી છે. આ મિસાઈલ તુર્કીના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી હતી, જેના કારણે સમગ્ર યુરોપ અને આરબ દેશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લક્ષ્ય શું હતું? ઇન્સિર્લિક એર બેઝ પર જોખમ
તુર્કીના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મિસાઈલ કઈ દિશામાં જઈ રહી હતી તે સત્તાવાર રીતે સ્પષ્ટ નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે તેનું લક્ષ્ય તુર્કીમાં આવેલું ઇન્સિર્લિક એર બેઝ (Incirlik Air Base) હોઈ શકે છે, જ્યાં યુએસ એરફોર્સ તૈનાત છે. તુર્કીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેના હવાઈ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શું હવે ‘આર્ટિકલ 5’ લાગુ થશે?
વિશ્વભરમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નાટો ઈરાન પર હુમલો કરશે?
-
આર્ટિકલ 5 શું છે? નાટોના આ નિયમ મુજબ, જો કોઈ એક સભ્ય દેશ પર સશસ્ત્ર હુમલો થાય, તો તે તમામ સભ્ય દેશો પર થયેલો હુમલો માનવામાં આવે છે અને બધા દેશો ભેગા મળીને વળતો પ્રહાર કરે છે.
-
કેમ લાગુ ન થયો? હાલમાં તુર્કીની ધરતી પર કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. મિસાઈલને હવામાં જ તોડી પાડવામાં આવી હોવાથી અંકારા અત્યારે ‘આર્ટિકલ 4′ (સાથી દેશો સાથે પરામર્શ) નો ઉપયોગ કરી રહ્યું છે. નાટોની માર્ગદર્શિકા મુજબ ‘સશસ્ત્ર હુમલો’ ગણવો કે નહીં તે કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે, જે અત્યારે ‘વેઇટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે.
ફ્રાન્સ અને સાયપ્રસની ભૂમિકા
આ તણાવ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને લાલ સમુદ્રમાં સુરક્ષા માટે બે ફ્રિગેટ (યુદ્ધ જહાજો) મોકલવાની જાહેરાત કરી છે. બીજી તરફ, સાયપ્રસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન સાથેના કોઈ પણ સીધા લશ્કરી સંઘર્ષમાં ભાગ લેશે નહીં. જોકે, તુર્કીએ સુરક્ષાના ભાગરૂપે ઉત્તરી સાયપ્રસમાં છ F-16 ફાઇટર જેટ તૈનાત કરી દીધા છે.
તુર્કી-ઈરાન વિવાદનું મૂળ
તુર્કી (સુન્ની બહુમતી) અને ઈરાન (શિયા પ્રભુત્વ) વચ્ચે લાંબા સમયથી પ્રાદેશિક વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ હવે તુર્કીના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ચર્ચાનો વિષય બન્યો છે. ઈરાન ભલે કહેતું હોય કે તે તુર્કીને નિશાન નથી બનાવી રહ્યું, પરંતુ મિસાઈલની દિશા કંઈક અલગ જ સંકેત આપી રહી છે.
Post Views: 0











