ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા જ રાજકારણમાં હલચલ મચી જવા પામી છે. તેમણે આગામી ચૂંટણીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર વિગત.
બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો હતો. આ ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે સીએમ યોગીને ગોરખપુરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમના જવાબે રાજકારણમાં હલચલ મચાવી દીધી છે અને રાજકારણમાં તેની ચર્ચાઑ પણ થવા લાગી છે.
‘હું પ્રયાસ નહીં કરું’ : યોગી આદિત્યનાથ
સીએમ યોગીને ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ત્રીજી વખત ચૂંટણી લડશે? આ પ્રશ્નનો જવાબ આપતા સીએમ યોગીએ કહ્યું ‘હું પ્રયાસ નહીં કરું.’ અમારી પાર્ટી પ્રયાસ કરશે. ભાજપનો કોઈપણ સભ્ય મુખ્યમંત્રી બની શકે છે. આ પછી જ્યારે તેમને છેલ્લા 8 વર્ષમાં વહીવટની સૌથી મોટી સિદ્ધિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે કોઈપણ ક્ષેત્ર જોઈ શકો છો. ખેતી હોય, યુવાધન હોય, માળખાગત સુવિધા હોય, રોકાણ હોય, કાયદો અને વ્યવસ્થા હોય, પર્યટન હોય કે વારસો અને વિકાસ વચ્ચેનો સારો સમન્વય હોય ઉત્તર પ્રદેશ દેશમાં આનું સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે.
વિપક્ષી નેતાઓને જવાબ
મુખ્યમંત્રીએ મહાકુંભને મૃત્યુકુંભ કહેવા બદલ વિપક્ષને પણ જવાબ આપ્યો અને કહ્યું કે તે મૃત્યુંજય મહાકુંભ હતો, મૃત્યુકુંભ નહીં. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાંથી દરરોજ લગભગ 50 હજારથી એક લાખ ભક્તો મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. તેમણે મહાકુંભ અંગે વિપક્ષી નેતાઓના નિવેદનોની પણ ટીકા કરી.
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે મારું માનવું છે કે કોઈપણ સરકાર માટે સૌથી મોટી સિદ્ધિ લોકોનો સંતોષ હોવો જોઈએ. પીએમ મોદીજીના પ્રેરણાદાયી નેતૃત્વમાં છેલ્લા આઠ વર્ષમાં ઉત્તર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે અમારી સરકારે જે પણ માળખું તૈયાર કર્યું છે. તેને જનતાનો ટેકો મળ્યો છે. હું આ સમર્થનને સરકારની સિદ્ધિ માનું છું.