Gondal Rajkumar Jat Case : રાજકુમાર જાટના કેસમાં નવી અપડેટ, PM રિપોર્ટ વાયરલ થયાં બાદ પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં NC ગુનો નોંધવામાં આવ્યો
Gondal Rajkumar Jat Case : ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં તપાસની વચ્ચે એક બાદ એક નવી બાબત સામે આવી રહી છે. આ તરફ હવે આ કેસમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે, PM રિપોર્ટ વાયરલ થયાં બાદ પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં NC ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં આવ્યો.
ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક તરફ ગણેશ જાડેજાએ રાજકુમાર જાટ એને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી છે. જેમાં ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યાની પોલીસમાં અરજી કરી છે. આ તરફ આ અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે તો બીજી તરફ હવે પોલીસ દ્વારા આ કેસમાં અજાણ્યા શખ્સ સામે NC ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. મૃતક રાજકુમાર જાટના ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૃતક રાજકુમારના શરીર પર લાકડી જેવા પદાર્થથી ઇજા થઈ હોવાના નિશાન મળી આવ્યા છે. રિપોર્ટમાં કુલ બે ભાગમાં ઈજાના નિશાન કેવી રીતે પડ્યા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શું કહી રહ્યો છે ફોરેન્સિક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ ?
ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર લાકડી જેવા પદાર્થ વડે ઈજા પહોંચાડ્યાના નિશાન જોવા મળ્યા. લાકડીથી માર મારવામાં આવ્યો હોય તેવા 4-4 સેન્ટીમીટરના ઇજાના નિશાન જોવા મળ્યા છે. સાથે જ રિપોર્ટના મુદ્દા નંબર 30 અને 31માં ગુદામાં 7 સેન્ટી મીટરનો ચિરો હોવાનો ઉલ્લેખ પણ છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના શરીર પર ઈજાના નિશાન કેવી રીતે પડ્યા તેનો બે ભાગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે, જયારે બીજા ભાગમાં કુલ 31 મુદ્દામાં કેવી-કેવી ઈજા થઈ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. શરીર પર 4-4 સેન્ટીમીટરના ઇજાના જે નિશાન છે તે અકસ્માતથી થયા છે કે કેમ તે પણ સવાલ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકુમારના ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં શરીર પર નાની મોટી 42 ઇજાના નિશાનો જોવા મળ્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો ?
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો હતો. ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ યુવક ગુમ થયો હતો અને 7 દિવસ બાદ પણ રાજકુમાર જાટનો કોઈ પતો લાગ્યો ન હતો. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. પૂર્વ ધારાસભ્યના કેટલાક માણસોએ બોલાવીને માર માર્યાનો પિતાનો આક્ષેપ છે. આ સમગ્ર કેસમાં રાજકુમાર જાટના પિતા હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ગોંડલ ગણેશ અને તેના માણસો પર આરોપ લગાવ્યા છે. રતનલાલ જાટ ગણેશ જાડેજા અને તેના સાથીઓએ રાજકુમારની હત્યા કરી હોવાની વાત પર અડગ છે અને પોતાના દીકરાની હત્યા બદલ ન્યાયની માગણી કરી છે.