નાસા અને સ્પેસએક્સે ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લાવવા માટે ક્રૂ-10 મિશન લોન્ચ કરી દીધું છે. જો ક્રૂ-10 મિશન સફળ થાય છે, તો વિલિયમ્સ અને વિલ્મોર 20 માર્ચ પછી ISS થી પૃથ્વી પર આવવા માટે રવાના થાય તેવી અપેક્ષા છે.
ભારતીય મૂળની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર છેલ્લા 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા છે. દરમિયાન, તેમને પાછા લાવવાના કેટલાય પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે. જો કે હવે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા માટે SpaceX એ એક મિશન લોન્ચ કર્યું છે. જેનાથી એક વાર ફરી બંનેના જલ્દી પાછા ફરવાની આશા છે. સુનિતા વિલિયમ્સ પહેલા પણ અંતરિક્ષમાં જઈ ચૂકી છે. આ વખતે સુનિતા વિલિયમ્સનો અંતરિક્ષ પ્રવાસ 8 દિવસ માટે જ હતો, જે 9 મહિના જેટલો લાંબો થઈ ગયો. ત્યારે ચાલો જાણીએ કે સુનિતાની અંતરિક્ષયાત્રા 8 દિવસથી વધીને આટલી લાંબી કેમ થઈ ગઈ.
5 જુન 2024 ના રોજ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન માટે ટેક ઓફ કર્યું હતું. અંતરિક્ષની તેમની આ યાત્રા માત્ર 8 દિવસો માટે જ હતી. બંનેએ 10 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરવાનું હતું.
આ મિશન દરમિયાન સુનિતા અને બુચે સ્પેસ સ્ટેશન પર 8 દિવસમાં રિસર્ચ અને ઘણા એક્સ્પરીમેન્ટ પણ કરવાના હતા. મિશનનો મુખ્ય ઉદ્દેશ સ્પેસક્રાફ્ટની અંતરિક્ષયાત્રીને સ્પેસ સ્ટેશન સુધી લઈ જઈને પાછા લાવવાની ક્ષમતાને સાબિત કરવાનો હતો.
પરંતુ સ્ટારલાઇનર અવકાશયાનના થ્રસ્ટરમાં ખામીને કારણે તેમના પાછા ફરવામાં વિલંબ થયો. નાસાએ જણાવ્યું કે અવકાશયાનના સર્વિસ મોડ્યુલના થ્રસ્ટરમાં એક નાનો હિલીયમ લીક થયો. 25 દિવસ પછી, અવકાશયાનના કેપ્સ્યુલમાં 5 હિલીયમ લીક થયા. 5 થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
સ્ટારલાઇનર અવકાશયાનના થ્રસ્ટરમાં આવેલી ખામી ઠીક કરવા માટે ઘણી વાર પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ આ સમસ્યાનું નિરાકરણ કરી શકાયું નહીં. આ કારણે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં વિલંબ થયો.
બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ બંને અનુભવી અવકાશયાત્રીઓ અને યુએસ નેવીના ટેસ્ટ પાઇલટ છે, પરંતુ તેઓને આટલા લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાની તૈયારી સાથે મોકલવામાં આવ્યા ન હતા.
પરંતુ તેમના ભૂતકાળના અનુભવના આધારે, તેઓ બંને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સફળતાપૂર્વક રહી રહ્યા છે અને બધો સમય ત્યાં પ્રયોગો અને મેન્ટેનન્સના કામ કરી રહ્યા છે.
તાજેતરમાં, જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલન મસ્કની કંપની સ્પેસએક્સને અવકાશયાત્રીઓને પાછા લાવવાનું કામ સોંપ્યું ત્યારે સુનિતાના પાછા ફરવાની આશા વધી ગઈ. ત્યારબાદ સ્પેસએક્સ સ્પેસએક્સ રોકેટ ફાલ્કન 9 સાથે અવકાશયાત્રીઓના પરત ફરવા માટે ‘ક્રૂ-10 મિશન’ લોન્ચ કરવાનું હતું પરંતુ ટેકનિકલ કારણોસર આ લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું.
નાસા અને સ્પેસએક્સે ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લાવવા માટે ક્રૂ-10 મિશન લોન્ચ કરી દીધું છે. આ મિશનમાં, ડ્રેગન અવકાશયાનને લઈ જતું ફાલ્કન 9 રોકેટ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી.
ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટ સાથે એક ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ સાંજે 7:03 વાગ્યે (સ્થાનિક સમય) ટેક ઓફ થયું. આ મિશનમાં, ચાર સભ્યોની ટીમે તેમના લક્ષ્ય તરફ પ્રવાસ શરૂ કર્યો.
હવે જો ક્રૂ-10 મિશન સફળ થાય છે, તો વિલિયમ્સ અને વિલ્મોર 20 માર્ચ પછી ISS થી પૃથ્વી પર આવવા માટે રવાના થાય તેવી અપેક્ષા છે.