મુંબઈની લીલાવતી હોસ્પિટલ હાલ ચર્ચામાં આવી ગઈ છે. લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય લોકો પર ભંડોળનો દુરુપયોગ કરવાનો અને હોસ્પિટલ પરિસરમાં કાળા જાદુનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.
મુંબઈની લીલાવતી હોસ્પિટલ ઘણી પ્રખ્યાત છે અને આ હોસ્પિટલ શહેરના હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ માટે સૌથી પસંદગીના વિકલ્પોમાંથી એક છે. અહીં સૈફ અલી ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ પોતાની સારવાર કરાવે છે. લીલાવતીનું સંચાલન કરતા ચેરિટેબલ ટ્રસ્ટે એક એવો આરોપ લગાવ્યો છે કે જેના લીધે આ હોસ્પિટલ હવે ચર્ચામાં આવી ગઈ છે. હકીકતમાં, ટ્રસ્ટે આરોપ લગાવ્યો કે તેના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ દ્વારા 1,500 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો.
લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (LKMMT) દ્વારા આ સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો દાખલ કરાવવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને સંબંધિત વ્યક્તિઓ દ્વારા હોસ્પિટલ પરિસરમાં કાળું જાદુ કરવામાં આવ્યું. હોસ્પિટલના નાણાકીય રેકોર્ડના ફોરેન્સિક ઓડિટ દરમિયાન પ્રકાશમાં આવેલી આ અનિયમિતતાઓએ ટ્રસ્ટની કાર્યપ્રણાલી અને બાંદ્રા વિસ્તારમાં સ્થિત અગ્રણી ખાનગી તબીબી સુવિધા દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્યસંભાળ સેવાઓને અસર કરી છે.
LKMMT ના પરમેનેન્ટ રેસિડેન્ટ ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ જણાવ્યું કે, “અમે ફરિયાદો નોંધાવી, જે બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને કારણે FIRમાં ફેરવાઈ ગઈ. ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે ત્રણથી વધુ FIR નોંધવામાં આવી છે. આ વ્યક્તિઓ સામે ચોથી કાર્યવાહી હવે મેજિસ્ટ્રેટ સમક્ષ પેન્ડિંગ છે, જે કાળા જાદુ અને ગુપ્ત પ્રથાઓ માટે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અમારી ફરિયાદ પર આધારિત છે. બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે આ વ્યક્તિઓ સામે તપાસનો આદેશ આપ્યો છે. અમે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટની અખંડિતતા જાળવી રાખવા અને એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
લીલાવતી હોસ્પિટલના માલિક કોણ છે?
લીલાવતી હોસ્પિટલની સ્થાપના 1997 માં લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ હોસ્પિટલ તમામ ક્ષેત્રોના લોકોને હાઈ ક્વોલિટી હેલ્થકેર પૂરી પાડવા માટે બનાવવામાં આવી હતી. આ હોસ્પિટલનું નામ હીરા ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ કીર્તિલાલ મહેતાની માતા લીલાવતી મહેતાના નામ પરથી રાખવામાં આવ્યું.
કીર્તિલાલ મહેતા ગેમ્બેલ ડાયમંડ્સના ફાઉન્ડર હતા, વિશ્વભરમાં શાખાઓ ધરાવતું વૈશ્વિક હીરા સામ્રાજ્ય છે. વ્યવસાય પ્રત્યેના તેમના જુસ્સા અને પરોપકાર પ્રત્યેના સમર્પણને કારણે તેમણે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટની રચના કરી, જે હોસ્પિટલના સંચાલનને સપોર્ટ કરે છે. તેમનો પરિવાર તેમના વારસાને આગળ ધપાવી રહ્યો છે, આ હોસ્પિટલ ભારતની લીડિંગ હેલ્થકેર સંસ્થાઓમાંની એક છે.