તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમા હકાભા ગઢવીને કડવો અનુભવ થયો હતો. જેનો વીડિયો તેઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે આ ઘટનાને હોસ્પિટલના ડોક્ટરનું નિવેદન સામે આવ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકસાહિત્યકારને કડવો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ હકાભા ગઢવીએ પોતાનો અનુભવ જણાવતો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં હકાભાએ જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મને કડવો અનુભવ થયો હતો. સરકાર દ્વારા પૂરુ ધ્યાન આપવામાં આવે છે. પરંતુ અંદર હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. સરકાર દ્વારા દવા પણ પૂરી પાડવામાં આવે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 5 કલાકે તેમના બહેનનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. 10 થી 12 જણાની લાઇનો હતી જે સીસીટીવી કેમેરામાં દેખાઇ આવે છે. સમગ્ર ઘટનામા હકાભા સાથે તોછડાઇ પૂર્વકનું વર્તન કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે મારી સાથે આવી રીતે વાત કરવામાં આવી હોય ત્યારે સામાન્ય માણસો સાથે આ લોકો કેવું વર્તન કરતા હશે. અને ત્રણ કલાક બાદ મગજના ડોક્ટર આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઇ આરોગ્ય મંત્રીએ અરજી કરી હતી.
બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર હકાભા ગઢવીએ કરેલા આક્ષેપને લઇને MRI વિભાગના હેડ ડૉ. હિરલ હાપાણીએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે અન્ય દર્દીનું સ્કેન ચાલતું હોવાથી તેમને થોડી રાહ જોવી પડી હતી. કોઇ દર્દીને મશીનમાંથી ઉભા કરીને અન્યને ન બેસાડી શકાય નહીં. 11.20 વાગે આવેલા દર્દીને 11.50એ સિટી સ્કેન માટે બોલાવી લેવાયા હતા. પરંતુ તેઓ સ્કેન દરમિયાન હલતા હોવાથી એનેસ્થેસિયા આપવું પડ્યું હતું. જો કે દર્દી ભાનમાં આવે તે પહેલા રિપોર્ટ પણ આપી દેવાયો હતો. તો ડૉક્ટર મોડા આવવાના આરોપનો ખુલાસો કરતા કહ્યું કે તમામ ડૉક્ટર અહીં જ રહેતા હોવાથી મોડા આવવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. એટલું જ નહીં હોસ્પિટલ પાસે આખી ઘટનાના CCTV હોવાની પણ વાત કરી હતી.