રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ આચરવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે, ફરાર થયેલા આયોજકોના ઘર અને દુકાન સુધી પોલીસ પહોંચી છે
રાજકોટમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનાં નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ જતા ભારે હડકંપ મચ્યો હતો. આયોજકો રફ્ફુચક્કર થઈ જતા વરરાજાઓ, કન્યાઓ તેમજ જાનૈયાઓ રઝળી પડ્યા હતા. અનેક પરિવારો જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમૂહ લગ્નમાં જોડાયેલા પરિવાર પાસેથી આયોજકોએ 15 હજારથી 40 હજાર ઉઘરાવ્યા હતા.
આયોજક ચંદ્રેશ છત્રોલા પણ હોસ્પિટલમાંથી ફરાર
બીમારીના નામે આયોજક ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં દાખલ થયો છે. સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકી બીમાર હોવાનું જણાવ્યું છે. રાજકોટની રઘુવીર હોસ્પિટલમાં સારવાર લીધાના પૂરાવા મુક્યા છે. જે બાદમાં ચંદ્રેશ છત્રોલા પણ હોસ્પિટલમાંથી ફરાર થયો છે. હોસ્પિટલમાંથી ફરાર થયા CCTVમાં સામે આવ્યા છે. ત્યારે આયોજકના ફરાર થવા મુદ્દે હોસ્પિટલ તંત્રે પોલીસને જાણ કરી છે.
પોલીસે અયોજકોના ઘરે તપાસ હાથ ધરી
તો બીજી તરફ સમગ્ર મામલે રાજકોટ પોલીસે અયોજકોના ઘરે દરોડા પાડ્યા છે. રેલનગર સ્થિત ડો. હેડ ગેવાર આવાસ યોજનામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈકાલે રાતથી જ આયોજકો ઘરે તાળા મારી ફરાર થઈ ગયા હતા. ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ અને દિપક હિરાણી ફરાર છે જ્યારે ત્રણેય આયોજકોના સબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવશે.
જાણો સમગ્ર મામલો
સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો શહેરના માધાપર ચોકડી પાસે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજકોટ સહિત અલગ-અલગ જિલ્લાઓમાંથી વર-વધુ તેમજ પરિવારજનો આવ્યા હતા. જો કે લગ્નના દિવસે જ આયોજકો ફરાર થઈ જતા વર-વધુ તેમજ પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો. આયોજકોએ દરેક લગ્નના જોડા પાસેથી 15-15 હજાર રૂપિયા લઈને નાસી છૂટ્તા છેતરપિંડી થઈ હોવાની પરિવારજનોને જાણ થઈ. પરિવારજનોએ જણાવ્યું હતું કે આયોજકોએ કહ્યું હતું કે સવારે 6 વાગ્યે બધું તૈયાર હશે. પરંતુ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરાઈ ન હતી. આયોજકો પૈકી કોઈપણ ન હોવાથી જાનો પાછી ગઈ હતી અને બધાના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. ખાસ વાત તો એ છે કે ચંદ્રેશ છત્રોલા નામના આયોજકે મોબાઈલમાં સ્ટેટસ મુક્યું હતું. જેમાં લખ્યું હતું કે સમુહ લગ્ન કેન્સલ કરવામાં આવ્યા છે. આયોજક ચંદ્રેશ હોસ્પિટલમાં દાખલ હોવાનું સ્ટેટસ મુક્યું હતું. બીજી તરફ દિલીપ ગોહેલ નામના આયોજકના ફ્લેટે તાળું મારેલું જોવા મળ્યું હતું. રૂપિયા લઈ આયોજકો સમુહ લગ્ન ન કરાવતા વર-વધુના પરિવારજનોમાં રોષ વ્પાપ્યો હતો.
આયોજન સમૂહ લગ્નનું, કામ છેતરપિંડીનું?
સમૂહ લગ્નનું આયોજન સેવા કે વેપાર?
લાલચુ આયોજકો સામે ક્યારે કાર્યવાહી?
ફરાર આયોજકોને કોનો ટેકો?
જેમના લગ્ન ન થયા તેમને રૂપિયા પાછા મળશે?
ફરિયાદ તો નોંધાઈ જશે પણ કાર્યવાહી ક્યાં સુધી ચાલશે?
લાલચુ આયોજકોએ અગાઉ કેટલીવાર કરી છે ઠગાઈ?