ઉર્જા સાથે સંકળાયેલા કર્મચારીઓ પોતાની માગણીઓ સંદર્ભે હડતાલ પાડી શકશે નહીં, 14મી માર્ચ 2025થી છ મહિના માટે અમલમાં રહેશે
ગુજરાતમાં ઉર્જા સાથે સંકળાયેલા કર્મચારીઓ પોતાની માગણીઓ સંદર્ભે હડતાલ પાડી શકશે નહીં. રાજ્ય સરકારે એક આદેશમાં જણાવ્યું છે કે, ઉર્જા ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ અને વેપાર સાથે સંકળાયેલા રોજગારને આવશ્યક સેવા તરીકે જાહેર કરી છે. ઉર્જા સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં જો હડતાલ પાડવામાં આવે તો દૈનિક આવશ્યક સેવાને પ્રતિકૂળ અસર પડતી હોય છે, જે સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. આવો આદેશ ગુજરાત આવશ્યક સેવા જાળવણી અધિનિયમ 1972 દ્વારા કરવામાં આવ્યો છે.
ઉર્જા વિભાગના કર્મીઓ હડતાળ પાડી શકશે નહીં
સત્તાવાર યાદીમાં સરકારે કલમનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે આ જાહેરાત 14મી માર્ચ 2025થી છ મહિના માટે અમલમાં રહેશે. આ પગલાંના કારણે આવશ્યક સેવાનું સંચાલન નક્કી થશે. વીજળી પુરવઠામાં વિક્ષેપ અટકાવાશે. સરકારનો ઉદ્દેશ આવશ્યક સેવાનું રક્ષણ કરવાનો છે.
વેપાર સાથે સંલગ્ન રોજગાર આવશ્યક સેવા તરીકે જાહેર
ઉર્જા વિભાગે જાહેર કરેલા આદેશ પ્રમાણે વીજળીના ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વેપારમાં સામેલ કર્મચારીઓ કે કામદારો તેમજ આ સેવા સંદર્ભની પ્રવૃત્તિમાં ભાગ લેનારા વ્યક્તિઓએ તેમની ફરજ વિના વિક્ષેપ બજાવવાની રહેશે.