ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં PMJAY કાર્ડને મંજૂરી આપનાર પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
ખ્યાતિ કાંડમાં PMJAY કાર્ડને મંજૂરી આપનાર મિલાપ પટેલને સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મિલાપ પટેલ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર પ્રોજેક્ટ ઓપરેટર તરીકે કામ કરતો હતો. જેમાં PMJAY કાર્ડને ગેરકાયદેસર મંજૂરી બદલ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. વધુ મળતી માહિતી મુજબ ડૉ.શૈલેષ આનંદ સામે આરોગ્ય વિભાગ પગલા લેશે. જેમાં ડૉ.શૈલેષ આનંદ પ્રતિનિયુક્તિ પર NHAમાં ફરજ બજાવતા હતા.
ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો આ સમયે તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. ત્યારે કાર્તિક પટેલને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી હતી. જેમાં અમદાવાદ એરપોર્ટથી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ કરવામાં આવી હતી.
મેડિકલ માફિયાઓએ આપ્યું મોત!
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે 10મી નવેમ્બરે કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં 20 જેટલા દર્દીઓને સારવારની જરૂર હોવાનું કહી ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. મહેસાણાના બોરીસણા ગામના 19 દર્દીઓને 11મી નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. PMJAY યોજનામાંથી પૈસા પાસ કરાવવા જાણ બહાર 19 દર્દીઓને સ્ટેન્ટ મુકી દેવાયા હતાં. 19 દર્દીઓમાંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી. જે 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઇ તેમાંથી 2 દર્દીનાં મોત થયા છે. એન્જિયોપ્લાસ્ટીના અન્ય 5 દર્દીઓ ICUમાં પહોંચી ગયા છે. હોસ્પિટલમાં તમામ ઓપરેશન ડૉ. પ્રશાંત વણઝારા દ્વારા કરાયા હતા. 2 દર્દીના મોત બાદ બોરીસણા ગામના દર્દીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.
સોમવારે હોસ્પિટલમાં હોબાળા બાદ તમામ જવાબદાર તબીબો હોસ્પિટલમાંથી ફરાર થયા હતા. વિવાદ સામે આવ્યા બાદ હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન પણ ગાયબ થઈ ગયા હતા. હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે દર્દીઓ પોતાની મરજીથી હોસ્પિટલમાં આવ્યાનો દાવો કર્યો છે. ઓપરેશન માટે દર્દીઓની મંજૂરી લેવાઇ હતી કે કેમ તે અંગે CEOએ ગોળગોળ જવાબ આપ્યો હતો. ઘટના બાદ પોલીસે હોસ્પિટલ પહોંચી દર્દીઓ અને પરિવારજનોના નિવેદન નોંધ્યા અને સોલા સિવિલ,આરોગ્ય વિભાગ અને UN મહેતા હોસ્પિટલના 10 તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સરકારના આરોગ્ય વિભાગના કાર્ડિયોલોજિસ્ટ પણ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. વિવાદ સામે આવ્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોગ્ય વિભાગે PMJAY યોજનાના એન્ટિ ફ્રોડ યુનિટને તપાસનાયા આદેશ આપ્યા છે.