હવામાન અપડેટ: રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ જાહેર, લઘુતમ તાપમાનમાં હાલ કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાની શક્યતા નથી
પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા કાતિલ ઠંડીનો અહેસાસ
Winter Update : રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે લોકો હવે તાપણાનો સહારો લઈ રહ્યા છે. આ તરફ હવે પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વ તરફ પવનની દિશા રહેતા ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. લઘુતમ તાપમાનમાં હાલ કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાની શક્યતા નથી.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, ભરૂચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન તો વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ તરફ રાજ્યના કચ્છ, મોરબી, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા તો અરવલ્લી, છોટાઉદેપુર, જુનાગઢ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી ?
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હજુ બે દિવસ દરમિયાન કચ્છ, રાજકોટ, પોરબંદરમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. બુધવારે 7.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની સાથે સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે બુધવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે. હવામાન વિભાગ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં થોડી રાઈઝિંગ ટેન્ડન્સી રહેશે એટલે તાપમાનમાં થોડો વધારો નોંધાશે. જો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.
સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 7.5 ડિગ્રી
બુધવારે ગુજરાતમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 7.5 ડિગ્રી નોંધાયું છે. આ સાથે રાજકોટ, અમરેલી, કેશોદમાં 9 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત પોરબંદરમાં 10.5, કંડલા એરપોર્ટ અને ભુજમાં અનુક્રમે 10.5 અને 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં તાપમાનનો પારો ઉંચકાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી વધીને 14.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 0.3 ડિગ્રી તાપમાન વધીને 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આજે કચ્છ, પોરબંદર અને રાજકોટમાં શીત લહેરની ચેતવણી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે 19 ડિસેમ્બરના રોજ કચ્છ, પોરબંદર અને રાજકોટમાં શીત લહેરની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે આ ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના કોઈ જિલ્લામાં ઠંડી અંગેની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.