રાજસ્થાનમાંથી એક મોટા અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં પ્રેક્ટિસ દરમિયાન બોમ્બ વિસ્ફોટની ઘટના બની છે. આ ઘટનામાં બે જવાન શહીદ થયા છે.
Rajasthan: રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં પ્રેક્ટિસ દરમિયાન બોમ્બ વિસ્ફોટના અહેવાલ સામે આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં બે જવાનો ઘટનાસ્થળે જ શહીદ થયા છે. જ્યારે એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં આવેલા ચાર્લી સેન્ટરમાં થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત સૈનિકને સુરતગઢની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ફીલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં બની ઘટના
આ ઘટના બુધવારે (18 ડિસેમ્બર 2024) બપોરે મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેક્ટિસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેના કારણે બે જવાનો ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. આ વિસ્ફોટ એટલો ગંભીર હતો કે નજીકમાં હાજર સૈન્ય અધિકારીઓ અને પોલીસને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવું પડ્યું હતું.
ચાર દિવસ પહેલા પણ બની હતી દુર્ઘટના
અગાઉ મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ચાર દિવસ પહેલા એક દુર્ઘટના બની હતી, જ્યાં તોપ સાથે ટોઇંગ ડિવાઇસ જોડતી વખતે તોપ લપસી ગઈ હતી. જેના કારણે ઉત્તર પ્રદેશના રહેવાસી એક સૈનિક શહીદ થયા હતા.
સંપૂર્ણ વિસ્તારને સીલ કરી દેવાયો
અકસ્માતની માહિતી મળતા જ સૈન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દીધો હતો. હાલ અધિકારીઓ ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આ બીજો અકસ્માત છે. આ પહેલા પણ એક સૈનિકનું અકસ્માતમાં મોત થયું હતું. આ ઘટનાઓએ પરીક્ષણ અંગે પણ સવાલો ઉભા કર્યા છે.