આખરે ફેંગલ વાવાઝોડું તમિલનાડુ અને પુંડુચેરીના દરિયા કિનારે ત્રાટકી ચૂક્યું છે.
ચક્રવાતી તોફાન ‘ફેંગલ’ શનિવારે દિવસ દરમિયાન પુડુચેરીની નજીક પહોંચવાની ધારણા છે અને તે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છ. ઉત્તર તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં શુક્રવારે રાત્રે તૂટક તૂટક અને પછી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઉપનગરીય ક્રોમપેટમાં સરકારી હોસ્પિટલ સંકુલના ભાગો સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘણી જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા હતા. તમિલનાડુ અને પુડુચેરીના ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, વિલુપ્પુરમ, કલ્લાકુરિચી અને કુડ્ડલોર જિલ્લામાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને કરી સમિક્ષા
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને રાજ્યના કટોકટી કેન્દ્રમાં ટોચના અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી. બાદમાં તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તમામ સાવચેતીના પગલાં પહેલેથી જ લેવામાં આવ્યા છે અને એવા વિસ્તારોમાં લોકો માટે કેમ્પ લગાવવામાં આવ્યા છે જ્યાં વધુ નુકસાન થવાની સંભાવના છે અને લોકોને ખોરાક પણ વહેંચવામાં આવી રહ્યો છે.
22,000 કર્મચારીઓ ફરજ પર
એન્જિનિયરો, અધિકારીઓ અને સફાઈ કામદારો સહિત 22,000 કર્મચારીઓ ફરજ પર છે અને 25-એચપી (હોર્સપાવર) અને 100-એચપી સહિત વિવિધ ક્ષમતાના કુલ 1,686 મોટર પંપ ઉપયોગમાં છે. 484 ટ્રેક્ટર માઉન્ટેડ પંપ અને 100-એચપી ક્ષમતાના 137 પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે.
ગુજરાત પર નહીંવત અસર
ચક્રવાતી ફેંગલની ગુજરાત પર નહીંવત અસર થવાની છે જોકે પવનની ગતિમાં થોડો વધારો થઈ શકે છે.