કાલાવાડ રોડ ટચના બે અલગઅલગ તત્વોએ સાર્વજનિક પ્લોટમાં હોટલ અને ઓફિસ ઉભી કરી નાખી
સાર્વજનિક જગ્યામાં થયેલા ગેરકાયદે દબાણથી ટ્રાફિકની સમસ્યા વધી, ગેરકાનૂની પ્રવૃત્તિ અને ગુંડાગીરીમાં વધારો
રાજકોટ નજીક આવેલા મેટોડાના સાર્વજનિક પ્લોટમાં ભૂમાફિયાઓએ દબાણ કર્યાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મળેલી માહિતી અનુસાર બે અલગઅલગ તત્વોએ કાલાવાડ રોડ ટચના બે સાર્વજનિક પ્લોટમાં દબાણ કરી હોટલ બનાવી અને ઓફિસ પણ કરી નાખી છે. મેટોડા જીઆઈડીસી ગેઈટ-૩ની સામે થયેલા ગેરકાયદે દબાણ મામલે તંત્રની આંખે મોતિયો આવ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે!
આ અંગે એવું ચર્ચાઈ રહ્યું છે કે, વાજડીવડના સર્વે નં. ૪૬ના પ્લોટ હોલ્ડરોના હિતો ઉપર ભૂમાફીયાઓની તરાપ કે બિનખેતી કરાવી પ્લોટો વેંચનાર આયોજકોએ સાર્વજનિક પ્લોટ વેંચી માર્યા છે? રહેણાંક બિનખેતીમાં સાર્વજનિક પ્લોટોને સુરક્ષિત રાખવાની જવાબદારી જમીન માલિક અને પંચાયતની છે તો કોણે કદડો કરીને દબાણ કરાવ્યુ હશે.
અહીં દબાણકારોની દાદાગીરીને કારણે સાર્વજનિક પ્લોટ ગુંડાગીરીનો અખાડો બની ગયો હોય છતાં તંત્રના અધિકારીઓ બેજવાબદાર બની રહ્યા છે. આશરે પાંચેક મહિનાથી પ્લોટમાં કબ્જા અંગે બે જૂથો વચ્ચે તણાવ છે પણ તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારી કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા હોય તેમ સાર્વજનિક જગ્યા પરથી દબાણ દૂર કરવાની કામ કરી રહ્યા નથી.
હાલમાં જમીન માલિકે જમીન બિનખેતી કરી પ્લોટો વેંચી નાખ્યા બાદ જમીનમાલિકના વારસદારોએ દાદાગીરીપૂર્વક સાર્વજનિક પ્લોટ પર કબ્જો કરી લીધો છે. અને અધૂરામાં પૂરું અહીં હોટલ-ઓફીસ બનાવી ગેરકાયદે બાંધકામ ખડકી દીધું છે. આ હોટેલને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે અને હવે જો સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદે ધમધમતી હોટલમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની? સાથે જ અહીં લુખ્ખા તત્વોની અવરજવરને કારણે દાદાગીરી પણ વધી છે ત્યારે સાર્વજનિક પ્લોટમાં થયેલ ગેરકાયદે દબાણ દૂર કરવું જરૂરી બની જાય છે.
સાર્વજનિક જગ્યામાં બનેલી હોટલને વીજ કનેક્શન કઈ રીતે મળ્યું?
કાલાવાડ રોડ પર આવેલ મેટોડા જીઆઈડીસીના ગેઈટ-૩ સામેની સાર્વજનિક જગ્યામાં ગેરકાયદે ઉભી કરાયેલ હોટેલમાં જીઈબીનું કનેક્શન કેવી રીતે અને કોના કહેવાથી અપાયું એ ચર્ચાએ જોર પકડ્યું છે. આખરે ક્યા રાજકીય વગદારે આ વીજ કનેક્શન આપવાની ભલામણ કરી એ વિશે તપાસ ચાલી રહી છે. આગામી સમયમાં આ મામલે ઉચ્ચ અધિકારીઓ પર તપાસ આવશે એ નક્કી છે.
સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદે દબાણ થાય તો પંચાયત જવાબદાર : ઈન્ચાર્જ મામલતદાર
સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદે દબાણ થાય તો તેની જવાબદારી અમારી નથી, પંચાયતની છે એવું જણાવતા ઈન્ચાર્જ મામલતદાર જાડેજાએ કહ્યું હતું કે, આ મામલે અમે કે કલેક્ટર કઈ કરી શકીએ નહીં. આમ, મેટોડા જીઆઈડીસી ગેઈટ-૩ની સામે થયેલા ગેરકાયદે દબાણ અંગે સ્થાનિક તંત્ર પર બધી જવાબદારી ઢોળી ઉચ્ચ અધિકારીઓએ હાથ ઊંચા કરી દીધા છે.